બનાસકાંઠાઃ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 104 જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચુકયા છે. જેને લઇ લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની સુચના મુજબ કોરોનાના વધતા જતા કેસને લઇને સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડીસ્ટન્સની બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી બલવંતસિંહ રાજપુત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સરકારની સુચના મુજબ વીડિયો કોલના માધ્યમથી તાલુકાની 32 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસ સંદર્ભે સામાજિક અંતર જાળવવા તેમજ બહારથી કોઇપણ વ્યકિત આવે તો તુરંત જ તંત્રને જાણ કરવા અંગેની બાબતથી અવગત કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ચોથા લોકડાઉનમાં સરકારે અંશતઃ છુટ આપી છે. આ ઉપરાંત વડીલો, બાળકો અને બિમાર વ્યકિતઓને પણ બહાર ન નીકળવા પણ સુચના અપાઇ રહી છે. તો આ તરફ હાલમાં ઉનાળો કાળઝાળ વરસી રહ્યો છે. ત્યારે અમીરગઢ જેવા ટ્રાયબલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ઉભી ના થાય, માણસ, પશુઓને પાણી મળી રહે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. અને જયાં પણ પાણીની તકલીફ હોય તો તુરંત જ તંત્રનું ધ્યાન દોરવું પણ જણાવાયું છે. આ ઉપરાંત જિલ્લા સહિત તાલુકામાં કોઇપણ હોનારતને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા વિલેજ ડિઝાસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આમ અમીરગઢ તાલુકા તંત્ર દ્નારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.