અંબાજીઃ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા સરકાર દ્વારા ચાર તબક્કામાં લોકકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાજ્ય બોર્ડરો પણ સીલ કરવામાં આવી હતી. પરંતુ ચોથું લોકકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક-1માં મહત્તમ સરહદો અવરજવર માટે ખુલી કરી દેવામાં આવી છે. જેને લઈ યાત્રાધામ અંબાજી નજીક આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ પણ ખુલી જતા લોકો અવરજવર વધી છે. જો કે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા તમામ પ્રવાસીઓ સહીત તેમના વાહનોની પોલીસ દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના હેલ્થની પણ તાપસ કામગીરી હાથ ધરાઈ છે. અંબાજીની આ સરહદ છાપરી ચૅકપપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરાઈ રહ્યું છે. જો કે જરૂરિયાત મંદોને અહીં આર્સેનીક 30 એમજીની હોમિયોપેથીક ગોળીઓ પણ વિતરણ કરાઈ રહી છે. જો કોઈ વધુ ટેમ્પરેચર કે કોરોનાના સિમટન્સ દેખાય તો તેને કોરોન્ટાઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલના તબક્કે સરકારની વધુ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી આ કામગીરી સતત ચાલુ રહેશે. એટલું જ નહીં અંબાજીની આ સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા વાહનોની સતત તપાસ કરી વાહન નંબર પણ નોંધવામાં આવી રહ્યા છે.