બનાસકાંઠાઃ વર્ષ 2020ની શરૂઆતથી સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ આતંક મચાવી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં નવરાત્રિના તહેવાર શરૂ થવા જઇ રહ્યા છે, ત્યારે કોરોના વાઇરસના વધતાં જતાં સંક્રમણને લઈ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇનને લઈ ખેલૈયાઓ તો નિરાશ છે જ પરંતુ ડ્રેસ ભાડે આપનારા વેપારીઓની પણ ચિંતા વધી ગઈ છે.
વેપારી શૈલેષભાઈ ઠક્કર ડીસામાં ફેન્સી ડ્રેસને ભાડે આપવાનો વ્યવસાય કરે છે. આમ તો તેમનો આ વ્યવસાય સામાજિક કે, ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલો છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના લીધે લગ્નની સિઝન પણ લોકડાઉનમાં નિષ્ફળ રહી છે. શૈલેષભાઈ ઠક્કરે લગ્નસરાની સિઝન પહેલા મોટી ખરીદી કરી હતી પરંતુ તેમની લગ્નસરાની સિઝન નિષ્ફળ રહી હતી, ત્યારે નવરાત્રિના તહેવારની આશાએ બેઠેલા શૈલેષભાઈ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી નવી ગાઈડલાઇનની જાહેરાત પણ નિરાશા લઈને આવી છે.
વર્તમાન સમયમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અને તેની સીધી અસર અત્યારે આ વ્યવસાય પર જોવા મળી રહી છે. નવરાત્રિના 15 દિવસ પહેલા ચણિયાચોળી અને ફેન્સી ડ્રેસ માટેના બુકિંગ શરૂ થઈ જતા હતા. તે અત્યારે કોરોના વાઇરસના લીધે પડી ભાગ્ય છે અને અત્યારે ગ્રાહકો પણ નથી આવી રહ્યા, ત્યારે સરકાર દ્વારા નવરાત્રિ જેવા ધાર્મિક તહેવારની ઉજવણી માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા યોજવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માગ વેપારીઓ કરી રહ્યા છે.
કોરોના વાઇરસના લીધે વેપારીઓ બેહાલ થઈ ગયા છે. તો મહિનાઓથી નવરાત્રિના તહેવારની રાહ જોઈ રહેલા ખેલૈયાઓમા નિરાશા છવાઈ ગઈ છે અને ખેલૈયાઓ પણ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા નવરાત્રિના તહેવારમાં છૂટછાટ આપવામાં આવે કે જેનાથી નવરાત્રીના તહેવારની ઉજવણી કરી શકાય
કોરોના વાઇરસને પગલે તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે ત્યારે નવરાત્રીના તહેવારમાં ગરબાનું આયોજન રદ્દ થતાં વેપારીઓની સાથે સાથે ખેલૈયાઓ પણ નિરાશ છે ત્યારે સરકાર દ્વારા આગામી સમયમાં ગરબાને લઈ ગાઈડલાઇનમાં છૂટછાટ આપવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું...!