ડીસાઃ છેલ્લાં ઘણાં સમયથી સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની સહાય ન ચૂકવવામાં આવતાં આજે બનાસકાંઠા જિલ્લામાં ગાયોના પાલકોનું આંદોલન ઉગ્ર બન્યું હતું અને તમામે તમામ ગૌશાળાઓમાંથી પશુધન છોડી મૂકવામાં આવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં પશુધન રોડ પર આવી જતાં ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં તો બીજી તરફ કેટલીક જગ્યાએ ગૌશાળાા સંચાલકો ગાયોને રોડ પર લાવી ચક્કાજામ કરી અને સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગૌશાળા ડીસા તાલુકાના કાંટ ગામે આવેલી છે ત્યાં પણ 8 હજારથી પણ વધુ પશુધન નિર્વાહ કરે છે. ત્યારે આજે સરકાર દ્વારા માગણી ન સંતોષાતાં આખરે કંટાળેલા કાટ પાંજરાપોળના સંચાલકોએ પોતાના પશુધન છોડવાની તૈયારીઓ કરી દીધી છે. પરંતુ પાંજરાપોળ આગળ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં તમામ જે પશુઓ છે તે ગૌશાળાના દરવાજા પાસે ખડકી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં સરકાર જો તેમની માગણી નહીં સંતોષે તો આંદોલન ઉગ્ર બની શકે તેમ છે.