- બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડીની ઘટનાઓ આવી સામે
- 11.50 લાખ રૂપિયા પડાવી 3 શખ્સો થયા ફરાર
- પાંથાવાડા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠા: પાંથાવાડા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મોબાઇલ ટાવર ઉભો કરી દર મહિને એક લાખ રૂપિયા ભાડું આપવાની લાલચ આપી ત્રણ પરપ્રાંતિય શખ્સોએ 11.50 લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પાથાવાડા પોલીસે ઠગાઇ કરનારા ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખેડૂતો સાથે છેતરપિંડી
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રાત દિવસ મહેનત કરી પોતાના ખેતરમાંથી ઉપજતા અનાજથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે કેટલીકવાર ખેડૂતો સાથે બનતી છેતરપિંડીની ઘટનાને લઇ ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે. ક્યારેક લોકો ખેડૂતોને લોભ લાલચ આપી છેતરપિંડી કરતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ અનેક ખેડૂતો અત્યાર સુધી પાયમાલ બન્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી
મોબાઈલ ટાવર ઊભો કરી દર મહિને એક લાખ રૂપિયા ભાડું આપવાની લાલચ
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે રહેતા વિહાભાઈ જેઠાભાઈ ગુડોલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ રાજસ્થાનના સમદડી તાલુકાના કામોડાવાડા ખાતે રહેતા બાબુભાઈ છોગારામ ચૌધરીના સંપર્કમાં આવ્યા હતા. જેમણે વિહાભાઈને તેમના ખેતરમાં મોબાઈલ ટાવર ઊભો કરી દર મહિને એક લાખ રૂપિયા ભાડું આપવાની લાલચ આપી હતી.
અલગ-અલગ ચેક બેંકમાં નાખી 11.50 લાખ રૂપિયા ઉપાડી લીધા
બાબુભાઇ અને તેમના બે મિત્ર જયેશ બાબજી અને ભાવેશ કણબી અવારનવાર વિહાભાઇને મળી બરાબર વિશ્વાસમાં લઇને તેમની પાસેથી કોરા કાગળ અને બેંકના ચેક પર સહી લઈ લીધા હતા. બાદમાં તેમના સહી કરેલા અલગ-અલગ ચેક બેંકમાં નાખી 11.50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા તેમજ કોરા કાગળ પર સહી કરાવી વિહાભાઇની જમીન પચાવી પાડવાની કોશિશ કરતા વિહાભાઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું અને પૈસા તેમજ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હોવાનું માલુમ પડ્યું હતું.
આ પણ વાંચો: સરકારી જમીન વેચીને 3 ભાઇઓ સાથે 1.15 કરોડની છેતરપિંડી થઇ
ખેડૂતે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
જે બાદ ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થતી હોવાની જાણ થતાની સાથે જ તેઓએ ત્રણેય શખ્સો સામે પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાંથાવાડા પોલીસે વિહાભાઇ સાથે છેતરપિંડી આચરનારા ત્રણેય શખ્સો સામે ગુનો નથી તેમની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ખેડૂતો સાથે છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે અત્યાર સુધી અનેક ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા વારંવાર ખેડૂતો સાથે કરતા છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં ખેડૂતો સાથે બનતી છેતરપિંડીની ઘટના અટકી શકે તેમ છે.