હિંમતનગર:કોરોના વાઇરસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વયોવૃધ્ધ ગજીબેનેે કોરોનાને માત આપી છે. 8 માસના બાળક બાદ 80 વર્ષના વૃધ્ધાએ કોરોનાને હરાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વધુ ચાર દર્દી કોરોનામુક્ત બનતા રજા આપવામાં આવી છે. જિલ્લાની તબીબી ટીમ દ્રારા કોરોનાના દર્દીઓને સઘન સારવારના અંતે આજે 80 વર્ષના ગજીબેન, 69 વર્ષના પુરૂષ સલીકરામ, 40 વર્ષિય પૂર્વીબેન બારોટ અને કોરોના વોરિયર એવા સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ શારદાબેન સીબલીયાએ કોરોનાને માત આપતા તમામ લોકોને રજા અપાઇ હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસાના વતની એવા 80 વર્ષિય વૃધ્ધા ગજીબેન અને 69 વર્ષના વૃધ્ધ સલીકરામે વૃધ્ધાવસ્થાને ધ્યાને રાખી ખાસ દેખભાળ કરી તેઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઇ છે.
ગજીબેન અને સલીકરામને હૉસ્પિટલ દ્વરા સ્વસ્થ કરવાની સાથે સાથે અગાઉ હિંમતનગરની તબીબી ટીમ દ્રારા 8 માસના શ્રવણને અને 9 વર્ષના વેદ દિક્ષીતને પણ સારવાર આપી સ્વસ્થ કર્યા છે.
હિંમતનગરના સિવિલ સ્ટાફના કોરોના વોરીયર્સ એવા સ્ટાફ નર્સ 45 વર્ષિય શારદાબેન સીબલીયાએ અને હિંમતનગરના બીજા 40 વર્ષિય પૂર્વિબેન બારોટે પણ કોરોનાને માત આપી છે.
સાબરકાંઠામાં અત્યાર સુધીમાં જિલ્લામાં 28 દર્દી કોરોના મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે, તેમજ આ દર્દીઓને ઘરે જતા પહેલા તેમને 4 ત્રિપલ લેયર માસ્ક, સેનિટાઇઝરની બોટલ તેમજ પરિવાર સાથે હાલ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવા શિક્ષણ આપવામાં આવ્યું હતું.