- પાલનપુર વિશ્રામ ગૃહમાં યોજી બેઠક
- રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઈને કિસાનો સાથે મળી ઘડી રણનીતિ
- 4 એપ્રિલે રાકેશ ટિકૈત કરશે ગુજરાત પ્રવાસની શરૂઆત
બનાસકાંઠા: જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે. જેથી રાજસ્થાનથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાય મહિનાઓથી રાકેશ ટિકૈતની આગેવાનીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનને હવે દેશભરમાં ફેલાવવાની રણનીતિ ઘડાઈ છે. જેના ભાગરૂપે હાલમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત જુદા-જુદા રાજ્યોમાં જઈ ખેડૂતોને સંબોધી રહ્યાં છે. રાજસ્થાનનો પ્રવાસ પૂર્ણ કરી 4 એપ્રિલથી તેઓ ગુજરાતનાં પ્રવાસે આવનારા છે. 4 એપ્રિલનાં અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરી તેઓ રોડ માર્ગે ખુલ્લી જીપમાં પાલનપુર પહોંચી પાલનપુરમાં ખેડૂત સભાને સંબોધિત કરશે.
રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસમાં શંકરસિંહ બાપુ ભજવશે મુખ્ય ભૂમિકા
રાકેશ ટિકૈત ચોથી એપ્રિલે અંબાજીમાં માઁ અંબાના દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરનારા છે, ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ ખેડૂતો તેમાં જોડાય અને ખેડૂત આંદોલન ગુજરાતમાં પણ સક્રિય બને તે હેતુથી શંકરસિંહ બાપુએ રાકેશ ટિકૈતના પ્રવાસને ખુલ્લું સમર્થન આપ્યું છે. જેના ભાગરૂપે શનિવારે શંકરસિંહ બાપુએ પાલનપુર પહોંચી ખેડૂત આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી આગામી ખેડૂત આંદોલનની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ પણ વાંચો: 04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતની મુલાકાતે
ઇતિહાસમાં આ પ્રથમ સરકાર છે, જે ચાલુ પ્રેસ-વાર્તામાંથી નેતાઓની અટકાયત કરે છે-શંકરસિંહ બાપુ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આવી પહોંચેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંયુક્ત કિસાન મોરચાના મહામંત્રી દિલીપસિંહભાઈની પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી, ત્યારે ચાલુ પ્રેસ-વાર્તામાંથી દિલીપસિંહભાઈની અટકાયત કરી સરકારના ઈશારે અધિકારીઓએ વાણી અભિવ્યક્તિની આઝાદી છીનવવા પ્રયાસ કર્યો હતો. સરકાર ખેડૂતોનું હિત સાચવવામાં નિષ્ફળ નીવડી છે. સરકારે કહ્યું હતું કે, બટાકામાંથી ચિપ્સ નીકળશે, પરંતુ આ બટાકા ખેતરોમાં જ સડી રહ્યાં છે,ત્યારે ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂતોને જાગૃત કરવા ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી ચોથી એપ્રિલે પાલનપુર આવશે. જ્યાં તેઓ ખેડૂત સભાને સંબોધિત કરશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારને ધરપકડ કરવી હોય કે અન્ય જે પણ કરવું હોય તે કરે. ખેડૂતો રાકેશ ટિકૈતના સમર્થનમાં ચોથી તારીખે બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં અંબાજી અને ત્યારબાદ પાલનપુર ભેગા થશે.
ગુજરાતના ખેડૂતને બટાકા રોડ પર ફેંકવાનો વારો આવ્યો છે-ખેડૂત આગેવાન
બનાસકાંઠાના જિલ્લાના ખેડૂત આગેવાન વિરમાંભાઈએ રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ સંદર્ભે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ તાનાશાહી સરકારને ગુજરાતનાં ખેડૂતોની મુશ્કેલીઓ દેખાતી જ નથી,ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે. તેઓ દેવાદાર થઈ રહ્યાં છે, પરંતુ સરકાર તેમનું સાંભળતી જ નથી. જેને લીધે અમે ખેડૂતોએ રાકેશ ટિકૈતને વિનંતી કરી હતી કે, તેઓ ગુજરાતની મુલાકાતે આવે અને ગુજરાતના ખેડૂતોની વ્યથાને વાચા આપે. જેને ધ્યાને લઇ આગામી ચાર એપ્રિલથી તેઓ બનાસકાંઠાથી ગુજરાત પ્રવાસના શ્રીગણેશ કરશે, ત્યારે જો સરકાર તેઓની સભાને પરવાનગી નહી આપે તો પણ અમે કાર્યક્રમ કરીને જ રહીશું.
આ પણ વાંચો: ગુજરાત મુક્ત કરો : રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી
ખેડૂતો બટાકાના ઢગલા રાકેશ ટિકૈત સામે મુકશે
બનાસકાંઠા જિલ્લાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરનારા રાકેશ ટિકૈત સમક્ષ જિલ્લાના ખેડૂતો પોતાની વ્યથા ઠાલવશે, તેમજ બટાકાના લીધે દેવાદાર બનેલાં ખેડૂતો બટાકા ટ્રેક્ટરમાં ભરી લાવી બટાકાનાં ઢગલા રાકેશ ટિકૈત સામે મુકશે અને આ બટાકા વડાપ્રધાનને પહોંચાડી ખેડૂતોની સમસ્યા જણાવવા રજૂઆત કરશે. તેમ ખેડૂતોએ શનિવારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.