બનાસકાંઠાઃ ડીસા ખાતે આવેલા જૂના ડીસા મહાજન પાંજરાપોળમાં મોડી રાત્રે આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘાસના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા.
એક તરફ કોરોના વાઇરસના સંક્રમણને કારણે પાંજરાપોળના સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગૌશાળાઓમાં સરકાર દ્વારા સહાય ન આપવામાં આવતા ગૌશાળા સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોરોના વાઇરસને કારણે બહારથી આવતું ઘાસ પણ બંધ થઈ જતા હાલ બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળાના સંચાલકો ભારે મુશ્કેલી વેઠવી રહ્યા છે. ત્યારે ડીસા પાસે આવેલા જૂના ડીસા મહાજન પાંજરાપોળમાં રાત્રે ઘાસના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી. અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાને પગલે પાંજરાપોળના સંચાલકોએ જાણ કરતા તાત્કાલિક ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળાવવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ એટલી વિકરાળ હતી કે, આગ બુઝાવતા બજાવતાં ફાયર ફાઈટરની ટીમને 5 કલાક લાગ્યા હતા. આ વિકરાળ આગમાં લાખો રૂપિયાના ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ વૈશ્વિક મહમારી કોરોનાને કારણે બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળો આર્થિક સંકડામણનો ભોગ બની છે. તેવામાં જૂના ડીસા મહાજન પાંજરાપોળમાં લાગેલી આગમાં થયેલા નુકસાનને કારણે પાંજરાપોળ સંચાલકોને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.