પાલનપુર ડીસા હાઈવે પર આવેલ ચંડીસર GIDCમાં પાછળના ભાગે આવેલી કૈલાશ ઓઇલ કેક એન્ડ સોલ્વન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેસ્ટર ફેકટરીમાં બુધવારે વહેલી સવારે કોઈ કારણસર અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં એરંડા ભરેલા શેડમાં આગ લાગી હોવાના કારણે આગ ભયંકર રીતે ઝડપથી સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી. જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી. આગ એટલી ભયંકર હતી કે આગની જવાળાઓ 15 થી 20 મીટર ઉંચે સુધી ફેલાઈ હતી, અને ધુમાડાના ગોટા દૂર દૂરથી દેખાતા હતા.
આ આગની જાણ થતાં બાજુમાં જ આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર ફાઇટરો સાથે દોડી જઇ આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જ્યારે ડીસા તેમજ પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમો પર વોટર બ્રાઉઝર અને મીની ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા. ફેક્ટરીમાં હજારો બોરી એરંડાનો જથ્થો હોઇ તેમજ બારદાન પડેલા હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. તેમજ ફેક્ટરીના એક્સપિલર મશીનરી,ઓઇલ ટેન્ક અને શેડ વગેરે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયુ હતું. આગ લાગતા ચંડીસર GIDC માંથી મજુરોના ટોળેટોળા ઉમટયા હતા. ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત જાળવ્યો હતો. સતત 5 કલાક સુધી 30 થી વધુ ફાયર ફાયટરો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી.