બનાસકાંઠા : ડીસા રાજપુર અને રાણપુર શહેરની હદમાં આવેલું ડીસા એરપોર્ટ વર્ષોથી બંધ હાલતમાં છે. અનેક વખત એરપોર્ટ શરૂ કરવાની સરકાર પાસે માગ કરાઈ હતી, ત્યારે સરકારે ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેની જાહેરાત પણ કરી હતી. જો કે, ડીસા એરપોર્ટની મુલાકાતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારો આવ્યા હતા અને તેમણે એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું.
ઓતોરિટી દ્વારા એરપોર્ટ પર થયેલા દબાણ દૂર કરવા માટે નકશા મંગાવવામાં આવ્યા છે. આ નકશાના આધારે એરપોર્ટ પર થયેલા દબાણો દૂર થાય તેવી શક્યતાઓ છે. જેથી ડીસાનું એરપોર્ટ શરૂ થાય તેવી હિલચાલ શરૂ થઈ છે. એરપોર્ટ ઓથોરિટીએ મુલાકાત લીધી ત્યારે નાયબ કલેક્ટર, મામલતદાર અને લેન્ડ અધિકારીને સાથે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાણપુર તલાટીને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે એરપોર્ટની દીવાલથી સવા કિ.મી સુધી 200 મીટર પહોળાઈ કેટલા સુધી પહોંચે છે, તે હદ નક્કી કરવા જણાવ્યું હતું. જો કે, સત્તાવાર માહિતી અધિકારીઓ પાસેથી જાણવા મળી નથી.
રાણપુર ખાતે અધિકારીઓનો કાફલો પહોંચતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. જો કે, એરપોર્ટની હદ નક્કી કર્યા બાદ જરૂર પડ્યે રાણપુર તરફથી જમીન લેવાય તેવી શક્યતાઓ છે. હાલ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એરપોર્ટ ઓથોરિટીને હિલચાલથી ખેડૂતોને પોતાની જમીન જવાનો ડર સતાવી રહ્યો છે. ખેડૂતોએ આ અંગે જણાવ્યું હતું કે, એરપોર્ટના અધિકારીઓ આવ્યા બાદ અમારા ખેડૂતો રાત્રે ભોજન પણ લીધું નથી. અમારી પાણી લાયક જમીન અમે નહિ આપીએ. અમારો વિરોધ એરપોર્ટનો નથી. સરકાર ત્રીસ વર્ષથી અમારી જમીનનો સર્વે કરે છે. જેથી અમે ખેતર પર મકાન પણ બનાવી શકતા નથી.સરકાર એક વખત ખુલાસો કરે કે, અમારી જમીનનું તે શું કરવા માગે છે.
એરપોર્ટ બાબતે અનેક વખત જિલ્લાના આગેવાનો અને ડીસાના ઉદ્યોગપતિ દીનેશચંદ્ર અગ્રવાલએ રજૂઆત કરી હતી, છતાં સરકાર દ્વારા કોઈ નક્કર જવાબ મળતો નહોતો, ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવતા જ આગેવાનોએ કરેલી રજુઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર પાસે એરપોર્ટ શરૂ કરવા જાહેરાત કરાવી હતી. જ્યારે હવે અધિકારી દ્વારા સર્વે હાથ ધરાયો છે. ત્યારે વર્ષોની માંગણી સંતોષાય તેવી આશા જિલ્લાવાસીઓમાં સેવાઇ રહી છે.
જો કે, આ એરપોર્ટ શરૂ થાય તો ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના લોકોને લાભ થશે. તેમજ નજીકથી હવાઈ મુસાફરી કરી શકશે. હાલમાં એરપોર્ટ શરૂ થશે, તેવા સમાચારોને લઈને જિલ્લાવાસીઓમાં આનંદ ફેલાયો છે. આ બાબતે રાણપુર વિસ્તારના સરપંચ દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગત ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડીસા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવે છે. જેના કારણે ગત ઘણા વર્ષોથી રાણપુર વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં કશું જ કરી શકતા નથી.