- આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે કોલ્ડ સ્ટોરેજના વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં
- કોરોનામાં બટાટાનો નિકાલ ન થતાં 1 કરોડ બટાટાનો જથ્થો પડ્યો છે
- બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજ સીલ કરવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં
પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર (Potato Farming ) બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં થાય છે જેથી વર્ષોથી ડીસાને બટાટાની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું મબલખ ઉત્પાદન થતું હતું અને ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળતી હતી. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તો સતત બટાટાના ભાવ ગગડી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. અગાઉ પણ બટાટાના ઉત્પાદનમાં વધારો થતાં ખેડૂતોને બટાકાના ભાવ મળ્યા ન હતાં. જેથી ખેડૂતોએ ડીસાના રસ્તા ઉપર બટાટા ફેંકવાનું વારો આવ્યો હતો. ચાલુ વર્ષે પણ બટાકાના ભાવ ન મળતા જિલ્લાના 200થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજમાં (Potato cold storage) મોટા પ્રમાણમાં બટાટાનો સંગ્રહ થયેલો જોવા મળી રહ્યો છે.
કોલ્ડ સ્ટોરેજના હપ્તા ન ભરાતા બેંક દ્વારા સીલ કરાયા
અનેક કોલ્ડ સ્ટોરેજના (Potato cold storage) હપ્તા ભરાયા ન હોવાથી બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને રોકવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં સુધી બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ સિલિંગ પ્રક્રિયા સ્થગિત રાખવા ખેડૂતોએ માગ કરી હતી.
હજુ 1 કરોડથી વધુ બટાકાના કટ્ટા સંગ્રહિત છે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 200થી વધુ કોલ્ડ સ્ટોરેજ (Potato cold storage) આવેલા છે. જેમાં હજુ 1 કરોડથી વધુ બટાકાના કટ્ટા સંગ્રહિત છે. બટાકાના ભાવ ન મળતાં અત્યારે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત છે. ડિસેમ્બર માસથી બટાકા વાવેતરની (Potato Farming ) શરૂઆત થશે. ત્યારે બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોલ્ડ સ્ટોરેજના માલિકો મંદીના કારણે બેંક લોનના હપ્તા સમયસર ન ભરી શકતા હવે બેંક દ્વારા કોલ્ડ સ્ટોરેજની નોટિસ આપી સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે જો કોલ્ડ સ્ટોરેજ સીલ થાય તો સ્ટોરેજમાં પડેલા ખેડૂતોના બટાકાના એક કરોડ કટ્ટા બગડી જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા રજુઆત કરાઈ
સરકારમાં બટાટાના ભાવમાં સહાય આપવાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પ્રકારની સહાય જાહેર ન કરવામાં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આજે ભારતીય કિસાન સંઘના 100 જેટલા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને આવેદનપત્ર આપી જ્યાં સુધી ખેડૂતોના બટાકા ન નીકળે ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજ (Potato cold storage) સિલિંગ પ્રક્રિયા મોકૂફ રાખવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ બટાકામાં ભયંકર મંદી વચ્ચે પણ બનાસકાંઠાના 20 ટકા ખેડૂતોને મળ્યાં બજારભાવથી પણ ડબલ ભાવ
આ પણ વાંચોઃ એશિયાની નંબર-1 બનાસડેરી ખેડૂતોને બટાટાનું બિયારણ આપશે