બનાસકાંઠાઃ બનાસવાસીઓ પર આ વખતે સરકાર મહેરબાન થઇ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉનાળાની અંદર પાણીની ભારે કિલ્લતનો સામનો બનાસકાંઠાના લોકોને કરવો પડતો હતો. પરંતુ આ વખતે રજૂઆત કર્યા બાદ તરત જ બનાસનદીમાં પાણી છોડવામાં આવ્યું અને ત્યારબાદ આજે નર્મદાના પાણીથી જિલ્લાના તળાવો ભરવાની શરૂઆત કરતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જીલ્લાની અંદર પાણીની તીવ્ર અછત ઊભી થાય છે. ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર ખેડૂતોને આ પાણીની ભારે કિલ્લતનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ વખતે કોરોનાવાયરસ જેવી મહામારીનો સામનો કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મદદે સરકાર આવતા અને નદી અને તળાવમાં પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. બે દિવસ પહેલા જ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાએ રજૂઆત કર્યા બાદ દાંતીવાડા ડેમનું પાણી બનાસનદી માં છોડતા હજારો ખેડૂતોને તેનો લાભ થયો છે.
ત્યારબાદ ,કાંકરેજ અને થરાદ વિસ્તારમાં પણ પાણીના તળ ઊંડા જતા સ્થાનિક ખેડૂતો અને રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી. જે બાદ આજે પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી તળાવ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી કાંકરેજના 23 ડીસાના 20 અને દાંતીવાડાના 2 તળાવોમાં નાખવામાં આવ્યું છે. તળાવો ભરાતા જ પાણીના તળ ઊંચા આવશે અને તેનો લાભ ખેડૂતોને થશે. કાંકરેજના ચાંગા સ્ટેશન પર આજે સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરાઇ હતી.