બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા અમીરગઢ તાલુકામાં પણ ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં અનેરી જાગૃતિ આવી છે. જેમાં સમયના વહેણની સાથે કેટલાક ખેડૂતો પ્રગતિશીલ અને આધુનિક ઢબે ખેતી કરવા લાગ્યા છે. ત્યારે વાત કરીએ અમીરગઢ તાલુકાના અજાપુરા ગામે રહેતા અને વિકાસ વિજય વાડી નામનું ફાર્મ ધરાવતા દિનેશભાઈ દેસાઇની જેમને સમયની સાથે આધુનિક ખેતી કરી સરકારનો વન પંડિત એવોર્ડ પણ મેળવ્યો છે.
આ પ્રગતિશીલ ખેડૂતે મોંઘીદાટ ગણાતી એવી મિલીયા ડુબીયા અને ચંદનની ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી છે. ત્યારે આજરોજ જિલ્લાના વનવિભાગ દ્વારા આ પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ હાઉસ ખાતે વિવિધ તાલુકાના ખેડૂતો માટે ખેડૂત શિબિર યોજવામાં આવી હતી. જેમાં વનવિભાગ દ્વારા વિકાસ વિજયવાડીમાં પ્રગતિશીલ ખેડૂત દ્વારા મિલીયા ડુબીયા અને ચંદનની ખેતીની હાજર ખેડૂતોને સચોટ માહિતી અને જાણકારી આપી હતી.
દિનેશભાઈ પોતાના વિકાસ વિજય ગામમાં એકથી ચાર વર્ષથી મિલીયા ડુબીયા અને ચંદનની ખેતીનો ઇન્ટર ક્રોપ કરી મબલખ કમાણી કરી રહ્યાં છે. ત્યારે જિલ્લાના અન્ય ખેડૂતો પણ આવી પ્રગતિશીલ ખેતી કરી મબલખ નાણાં કમાય તેવી આશા સાથે વનવિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.