બનાસકાંઠાઃ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખે છે, ત્યારે ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક પછી એક મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કુદરતી આફતોના કારણે દર વર્ષે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
કમોસમી માવઠું હોય કે, તીડનો આતંક દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે, ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ગત 2 મહિનાથી સતત સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફાયદો થયો છે, તો ક્યાંક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતમાં વરસાદ ન થતાં ખેડૂતોને વાવેતરના સમય નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જે બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વરસવાનું શરૂ કરતા બનાસકાંઠા જિલ્લાના તમામ ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
ગુજરાત સરકાર દ્વારા લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી છે. જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે, ત્યારે લાભ પાંચમ બાદ મગફળીની ખરીદી શરૂ થાય તો ખેડૂતોને તેનો સંપૂર્ણ લાભ મળી શકે તેમ નથી. કારણ કે, અત્યારે મગફળી નીકળવાનું શરૂ થઈ ગયું છે અને મોટાભાગના ખેડૂતોએ વ્યાજે તેમજ ઉધાર બિયારણ અને ખાતર લાવીને મગફળીનું વાવેતર કર્યુ છે. મગફળી નીકળતાની સાથે જ તમામ લેણદારો ઉઘરાણી શરૂ કરી દે છે, ત્યારે ખેડૂતોએ તાત્કાલિક મગફળી વેચવાની ફરજ પડતી હોય છે. જેથી આવામાં સરકાર અત્યારે જ 15-20 દિવસમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તો જ ખેડૂતોને લાભ થઈ શકે તેમ છે.
ડીસા તાલુકામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા આ વર્ષે ખેડૂતોને જે મગફળી ટેકાના ભાવે ખરીદવાની છે, તે 1055 રૂપિયાના ભાવે કરવામાં આવશે. જેનાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મગફળીમાં ચોક્કસ રાહત મળશે.