યુવક અને યુવતીના આંતર જ્ઞાતિય લગ્ન હોવાના લીધે યુવતીના પરિવારના લોકોને આ લગ્ન નામંજૂર હતા. ચૌધરી સમાજની યુવતી અને માળી સમાજનો યુવક હોવાના લીધે જ્યારે આ બંનેએ પ્રેમ લગ્ન કર્યા ત્યારે યુવતીના પરિવારજનોએ માળી યુવક સામે તેમની દીકરીનું અપહરણ કરવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ બંનેએ રાજીખુશીથી લગ્ન કરેલા હોવાના લીધે બંને તેમના લગ્નના દોઢ માસ બાદ આગથલા પોલીસ મથકે હાજર થઈ ગયા હતા. જેથી પોલીસે બંનેને સુરક્ષા સાથે યુવકના ઘરે મોકલી આપ્યા હતા.
આ ઘટનાના એક મહિનો વિત્યા બાદ અચાનક યુવતીની માતા યુવકના ઘરે યુવતીને મળવા આવી હતી અને યુવતીથી વાત કરી રહી હતી. તે દરમિયાન અચાનક બે ગાડીઓ ભરીને આવેલા શખ્સોએ યુવતીને બળજબરીપૂર્વક ઉઠાવી જવાની કોશિશ કરી હતી. આ ઘટના બનતા યુવતીના પતિ અને તેના ભાઈઓએ આ શખ્સોને અટકાવવાની કોશિશ કરતાં ગાડીમાં આવેલા શખ્સોએ યુવતીના સાસરિયાં પર હુમલો કરી દીધો હતો જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લઈ રહેલી યુવતીએ તેના પર હુમલો કરવા આવેલા શખ્સો તેના પિયર પક્ષના હોવાનું જણાવ્યુ હતું.
આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીના સાસરિયાઓએ તેમના પર હુમલો કરવા આવેલા શખ્સો પૈકી યુવતીના પિયરના બે અને અન્ય ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે હુમલો કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરી તેમની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.