પાલનપુરઃ એશિયાની નંબર વન બનાસ ડેરીની આગામી 19મી ઓકટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેની આજે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ ચૂંટણી જાહેર થતા જ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ખુશી જોવા મળી છે.
બનાસડેરીમાં ઉમેદવારી ભરવાનો સમય તા.22 થી 29 સપ્ટેમ્બર સુધીનો છે. જ્યારે 30-09-2020 ના રોજ ઉમેદવારોની ઉમેદવારીપત્ર ચકાસણી કરી તા.8-10-2020 ના રોજ ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી બનાસડેરીની ચૂંટણી ને લઇ લોકોમાં અનેક તર્ક-વિતર્કો જોવા મળી રહ્યા હતા. ત્યારે આગામી 19 ઓક્ટોબરના રોજ બનાસડેરીની ચૂંટણી યોજાશે. જે બાદ તા.20-10-2020 ના રોજ કોના માથે બનાસડેરીનો તાજ આવશે તે જોવા મળશે. પરંતુ હાલ તો બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર થતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લો એ પશુપાલક અને ખેતી આધારિત જિલ્લો છે. જિલ્લામાં અગાઉ ખેડૂતોને વારંવાર થતા પાકને નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા. જે બાદ ધીમે ધીમે પશુપાલકોનો દૂધ ભરાવવા માં વધારો થતાં બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. સમય બદલાતા બનાસડેરીની શાખાઓમાં વધારો થયો અને એશિયાની નંબર વન બનાસડેરી બની છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસડેરીના ચૂંટણીને લઈને જિલ્લામાં અનેક વિવાદો સર્જાયા હતા. ખાસ કરીને બનાસડેરીની ચૂંટણીને લઈને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ આમને સામને આવી ગયા હતા.આ વિરોધમાં અનેક દૂધ મંડળીઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે પશુપાલકો પણ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારી એફ.બી.બાબીએ બનાસડેરીની ચૂંટણી જાહેર કરી હતી. જેમાં બનાસડેરીની ચૂંટણીમાં કુલ 16 ડિરેકટરો વચ્ચે ચૂંટણીજંગ યોજાશે.