બનાસકાંઠાઃ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા શુક્રવારના રોજ પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીંયાની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્ષે પ્રમુખ તરીકે અનુસૂચિત જનજાતિ મહિલાની સીટ હોવાથી ફક્ત કોંગ્રેસમાંથી વાલકીબેન પારગીએ દાવેદારી નોંધાવી હતી. તો સામે ભાજપ પક્ષમાં એક પણ અનુસૂચિત જાતિ જન જાતિની મહિલા ન હોવાને કારણે ભાજપમાંથી પ્રમુખની દાવેદારીમાં એક પણ ફોર્મ ન ભરાતાં કોંગ્રેસના વાલકીબેન પારગી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
જોકે ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાંથી એક-એક ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂપતાજી મકવાણાને 36 મત મળ્યા હતા. જયારે ભાજપના રાજાભાઈ પટેલને 30 મત મળતા કોંગ્રેસના ભૂપતાજી મકવાણા બહુમતીથી ઉપપ્રમુખ બન્યા હતા. જોકે કોંગ્રેસે ફરીથી જિલ્લા પંચાયતમાં સત્તા હાસિલ કરતા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પક્ષનો આભાર માનીને વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી.
ફરી એક વાર જિલ્લા પંચાયતમાં બહુમતીના જોરે કોંગ્રેસ સતા ઉપર આવતા કોંગ્રેસ પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ હતી. જોકે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ એકજુટ થઈને કોંગ્રેસની સતા જાળવી રાખતા જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે બંને નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ કોંગ્રેસ પક્ષનું જ સાશન જિલ્લા પંચાયતમાં રહશે અને 2022ની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ તમામ બેઠકો ઉપર જીત હાસિલ કરશે.