બનાસકાંઠાઃ કોરોના વાઈરસના લીધે સમગ્ર વિશ્વ અત્યારે સંકટમાં છે. કોરોના સંક્રમણને અટકાવવા તથા પોઝિટિવ રિપોર્ટ ધરાવતા દર્દીઓની સારવાર માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં યુદ્ધના ધોરણે દિવસ-રાત વ્યાપક પ્રયાસો ચાલી રહ્યા છે.
સરકારના આ વિરાટ પ્રયાસોને સફળતા પણ મળી રહી છે. કોરોના સંદર્ભે સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન તેની ચુસ્ત રીતે અમલવારી થાય તથા લોકોને પણ કોઇ તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા ઝીણવટભર્યુ આયોજન અને વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ મબલખ દૂધ ઉત્પાદન કરીને ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં જિલ્લાનું નામ રોશન કર્યુ છે. લોકડાઉનના સમયમાં પણ જિલ્લાના પશુપાલકો કોઇ મુશ્કેલી વગર ડેરીમાં દૂધ ભરાવી શકે તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીની સુચના અને માર્ગદર્શન અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં આવેલ દૂધ સહકારી મંડળીઓ એટલે કે દૂધની ડેરીઓ સુધી ખાસ સુવિધા કરવામાં આવી છે.
દૂધ ભરાવવા આવતા પશુપાલકો ડિસ્ટન્સ જાળવીને, મોંઢે માસ્ક બાંધીને, હાથને સેનેટાઇઝ કરીને દૂધ ભરાવે છે. બનાસ ડેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દૂધ મંડળીઓને તથા ગામોમાં દવા છંટકાવ કરીને સેનેટાઇઝ કરવામાં આવે છે. અત્યારે લોકડાઉનના સમયમાં બનાસ ડેરીના 3,66,427 સભાસદો દૈનિક 59 લાખ લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે. જેના બદલામાં બનાસ ડેરી દ્વારા મહિને રૂપિયા 726 કરોડ પશુપાલકોને દૂધના ચુકવવામાં આવે છે. બનાસ ડેરી દ્વારા દેશભરમાં અને વિદેશો સુધી દૂધ અને દૂધની વિવિધ બનાવટોનું વેચાણ કરવામાં આવે છે.
સમગ્ર દેશમાં દરરોજનું 25.33 લાખ લીટર દૂધ અમૂલ બ્રાન્ડના નામથી વેચાણ કરવામાં આવે છે. બનાસ ડેરીના ગુજરાત અને રાજસ્થાનના 200 જેટલાં દૂધ વિતરણ કેન્દ્રો પરથી રોજનું 1.53 લાખ લીટર દૂધ વેચાય છે. આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા યુ.એચ.ટી. દૂધની નિકાસ હોંગકોંગ અને સિંગાપોરમાં કરવામાં આવે છે. જયારે ઘી ની નિકાસ દુબઇ (UAE) અબુધાબી, ઓસ્ટ્રેલિયા, કતાર, કેનેડા, ઓમાન, શારજાહ, મ્યાનમાર, કુવૈત, દોહા, બહેરીન, ફિલીપાઇન્સ, નેપાળ વગેરે દેશો કરવામાં આવે છે. કોરોના મહામારીમાં બનાસ ડેરી દ્વારા ગામોને સેનિટાઇઝ કરવાની કામગીરી પૂરજોશમાં કરીને 808 ગામોને સેનિટાઇઝ કરાયા હતા.વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સામે લડવા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે જિલ્લાની અગ્રીમ સહકારી સંસ્થા બનાસ ડેરી પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહી છે.
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જિલ્લાના તમામ ગામોમાં આવેલી દૂધ મંડળીઓ સાથે સાથે સમગ્ર ગામમાં પણ દવાનો છંટકાવ થાય અને ગામડાઓ સેનિટાઇઝ થાય તેવો નિર્ણય કરતા જિલ્લાના મોટાભાગના ગામોમાં સેનિટાઇઝેશનીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તાલુકાદીઠ ગામડાઓની કામગીરી જોઇએ તો અમીરગઢ-29, ભાભર-73 દાંતા-16, દાંતીવાડા-15, ડીસા-47, દિયોદર-108, ધાનેરા-53, કાંકરેજ-91, લાખણી-17, પાલનપુર-54, રાધનપુર-71, સાંતલપુર-73, સૂઇગામ-22, થરાદ-51, વડગામ-24, વાવ-64 એમ મળી કુલ- 808 ગામોમાં બનાસ ડેરી દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.