બનાસકાંઠા જિલ્લાના બાપલા ગામના સરપંચ વૈજંતિબેન શાહના પતિએ ગામમાં દારૂ બંધ કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ગામમાં દારૂ બંધી માટે મોટી-મોટી રેલીઓ અને સભા કરવામાં આવી રહી છે. ત્યારે આ જાહેર સભા સરપંચ પતિ હરેશ શાહે બફાટ કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ચૂંટણી થઇ હતી અને મારી ચૂંટણી હું નહોતો લડ્યો. મારી ચૂંટણી ગામ લડ્યું હતું. જેમાં ચૂંટણી પહેલાની રાત્રે દારૂની વાત શરૂ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલાની રાત્રે મેં બંને ગામમાં લોકોને દિલથી ભર પેટ દારૂ પીવડાવ્યો હતો.
વધુમાં તેઓએ કહ્યું કે, હું રાજકારણમાં નવો હતો અને ગમે તે સંજોગોમાં મારે ચૂંટણી જીતવી હતી. જે કાર્યકર્તાઓએ રાત દિવસ મહેનત કરી આ સરપંચ પતિને જીતાડ્યા એ કાર્યકર્તાઓને પણ આ સરપંચ પતિએ દારૂ પ્રેમી ગણાવ્યા હતા. આ તમામ દોષનો ટોપલો કાર્યકર્તાઓ પર ઢોળ્યો હતો અને કહ્યું હતું કે, મને કાર્યકર્તાઓ જણાવ્યું હતું કે, તમે જીતવાના તો છો પણ લોકોને દારૂ પીવડાવવો પડશે અને મને પણ ડર હતો કે સામે વાળી પાર્ટી લોકોને વધુ દારૂ પીવડાવી દેશે તો કદાચ કંઈક ગરબડ થઇ જશે અને હું ચૂંટણી હારી જઈશ.
સરપંચ પતિએ જણાવ્યું હતું કે, પહેલા આ ગામમાં માંડ 10 જુદી-જુદી જાતિના લોકો દારૂ પિતા હતા અને તે પણ બાજુના ધામસીન ગામમાં જઈને પીતા હોય છે. આ ગામમાં મર્યાદા હતી કે, આ ગામમાં કોઈ દારૂ પીતું ન હતું અને આજે નવજવાનો દારૂ પીને ફરી રહ્યાં છે. પહેલા ગામમાં કોઈ દારૂ પીતું ન હતું. તો હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, ગામને દારૂના રવાડે ચડાવ્યું કોણે..? તે પણ એક મોટો સવાલ છે.