- ડીસાના ડોક્ટરે લગ્ન વર્ષગાંઠની કરી અનોખી ઉજવણી
- ડો. વિશાલ ઠક્કરની સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી
- બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટરો કરી રહ્યા છે અનોખી સેવા
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસ દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેના કારણે, અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક દર્દીઓ કોરોના વાઇરસના લપેટામાં આવ્યા છે. ત્યારે, ડીસાની વાત કરવામાં આવે તો, આવા કપરા સમયમાં ડીસાની તમામ હોસ્પિટલના ડોક્ટરો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યા છે. કોરોના વાઇરસની બીજી લહેર ચાલુ થયાને ગુરૂવારે એક મહિના જેટલો સમય થઈ ગયો છે. ત્યારે, ખરેખર આવા સમયે સેવા આપતા આ તમામ ડોક્ટરોને કોરોના વોરિયર્સ કહી શકાય તેમ છે.
આ પણ વાંચો: ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના તમામ વોર્ડને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
20 દિવસથી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની કરી રહ્યા છે સારવાર
કોરોના મહામારીના સમયમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક ડોક્ટર્સ, નર્સ સહિતના લોકો કોરોના વોરિયર્સ તરીકે દિવસ-રાત કામ કરી રહ્યા છે. જેમાં, ડીસાની ખાનગી હોસ્પિટલના તબીબ ડો. વિશાલ ઠક્કર જેઓ છેલ્લા 20 દિવસથી તેમની હોસ્પિટલમાં કોવિડના દર્દીઓની સતત સારવાર કરી રહ્યા છે. પોતાના પરિવારને કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે 20 દિવસથી પોતાના માતા-પિતા, પત્ની અને બાળકોથી દૂર હોસ્પિટલમાં રહે છે. એટલું જ નહીં પરંતુ, તેમની હોસ્પિટલમાં કામ કરતા તમામ લોકો હોસ્પિટલમાં જ રહે છે.
![ડીસાના ડોક્ટરે 20 દિવસે ઘરે આવ્યા બાદ લગ્નની વર્ષગાંઠની કરી અનોખી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-anokhi-ujavni-gj10014_29042021172647_2904f_1619697407_959.jpg)
ડો. વિશાલ ઠક્કરના લગ્નની વર્ષગાંઠની અનોખી ઉજવણી
ગઈકાલે બુધવારે ડો. વિશાલ ઠક્કરના લગ્નની 8મી વર્ષગાંઠ હતી. જેથી તેમની પત્ની બાળકો અને પરિવારના ખૂબ જ આગ્રહવશ તેઓ પોતાના ઘરે ગયા હતા. જોકે, ઘરે ગયા બાદ પણ ઘરની બહાર ઉભા રહી તેમના લગ્નની વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ ઉપરાંત, તેમની પત્નીએ ઘરની અંદર બાળકો સાથે રહીને કેક કાપી ઉજવણી કરી હતી. જ્યારે, ડો. વિશાલે તેઓ ઘરની બહાર ઉભા ઉજવણી કરી હતી.
![ડીસાના ડોક્ટરે 20 દિવસે ઘરે આવ્યા બાદ લગ્નની વર્ષગાંઠની કરી અનોખી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-02-anokhi-ujavni-gj10014_29042021172647_2904f_1619697407_137.jpg)
આ પણ વાંચો: ડીસામાં ઓક્સિજનની અછત સર્જાતા ડૉક્ટર્સ બન્યા લાચાર
પત્ની કિંજલ હુંફ અને સ્નેહ આપી રહ્યા છે
ડો. વિશાલ ઠક્કર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. સતત 20 દિવસથી તેઓ પોતાના પરિવારથી દૂર રહી દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે. તેમના લગ્ન બાદ પ્રથમ વખત તેઓ આટલા સમય સુધી પોતાના પરિવારથી દૂર રહી લોક સેવા કરી રહ્યા છે. આ બાબતે, તેમની પત્ની કિંજલ ઠક્કર પણ તેમને પુરતી હુંફ અને સ્નેહ આપી રહ્યા છે.