બનાસકાંઠા : ધાનેરાની મેઈન બજારમાં 20 વર્ષ અગાઉ બંધુ સમાજની માંગણીઓને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લાઈબ્રેરી બનાવવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ બંધુ સમાજ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા આ જગ્યાને હેતુફેર કરી અને આ જગ્યા પર નાની લાયબ્રેરી બનાવી અને બીજી જગ્યા પર 35 જેટલી દુકાનો બનાવી અને ધાનેરામાં રહેતા વેપારીઓને પાઘડી સિસ્ટમથી 160 રૂપિયાના ભાડે આપી હતી. જે બાદ અહીંયા છેલ્લા 20 વર્ષથી અલગ અલગ વેપારીઓએ પોતાનો ધંધો સેટ કર્યો છે અને આ દુકાનોના કારણે અત્યાર સુધી 35 જેટલા લોકોનો પરિવાર નભે છે, પરંતુ અચાનક આ તમામ દુકાનદારોને 20 વર્ષ બાદ સીટી સર્વેમાંથી દુકાનો ખાલી કરવા માટેની નોટિસ મળતા તેઓના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
અચાનક આવેલી આ નોટિસ જોતાની સાથે જ આ તમામ દુકાનદારો હવે ધંધો ક્યાં કરીશું તેની ચિંતા સતાવી રહી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે આ તમામ વેપારીઓએ પોતાને જે બંધુ સમાજ ટ્રસ્ટ પાસેથી ભાડા પેટે કરાર થયેલા હતા તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ એક પણ વેપારીનો ફોન ન ઉપાડતા આખરે કંટાળેલા વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે સ્ટે લઇ આવવા માટે ફરિયાદ નોંધાવી હતી અને તેઓએ માંગણી કરી છે કે, અહીંયા અમારા જેવા 35 દુકાનદારો 20 વર્ષથી ભાડું ભરી અને અહીંયા ધંધો કરી રહ્યા છે, ત્યારે અચાનક જો સરકાર દ્વારા આ રીતે દુકાનો ખાલી કરાવવામાં આવે તો અમારો પરિવાર બીજે ધંધો કરવા માટે ક્યાં જશે, ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે અમારી માંગણી સાંભળે અને અમને યોગ્ય ન્યાય આપે તેવી અમારી માગ છે.
ઉલ્લેખનીય છે કે, ધાનેરામાં સીટી સર્વે નંબર 2418 વાળી જગ્યા પર 20 વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા બંધુ સમાજની માંગણીઓને ધ્યાનમાં રાખી અને તેમને ધાનેરા બજારમાં લાયબ્રેરી માટે જગ્યા ફાળવી હતી, પરંતુ બંધુ સમાજ દ્વારા નાની લાયબ્રેરી બનાવી અને બાકીની જગ્યા પર 35 જેટલી દુકાનો બનાવી અને આ તમામ દુકાનો ધાનેરાના વેપારીઓને ધંધો કરવા માટે 160 રૂપિયાના ભાડા પેટે આપી દીધી હતી. જે વાતની જાણ સરકારને થતા તાત્કાલીક ધોરણે સીટી સર્વેના અધિકારી દ્વારા આ તમામ 35 જેટલા દુકાનદારો માટે દુકાન ખાલી કરવા માટે નોટિસ આપી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે આ જગ્યા લોકોને લાયબ્રેરીની સુવિધા મળી રહે તે માટે આપવામાં આવી હતી, પરંતુ બંધુ સમાજ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા આ જગ્યાને વાણિજ્ય હેતુથી વપરાશ કરવામાં આવ્યો છે. જેથી વાણિજ્ય હેતુનો ભંગ કરતા આ જગ્યા હવે સરકાર પાછી લેવા માટે હુકમ કર્યો છે. આ બાબતે આગામી 10 દિવસમાં આ જગ્યા ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા આ જગ્યાને 10 દિવસમાં ખાલી કરવા માટે તમામ 35 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે.