બનાસકાંઠા : ડીસામાં ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે બપોર બાદ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ડીસાના ખાડીયા વિસ્તાર અને ડીસા-આખોલ ચાર રસ્તા પાસે પાણી ભરાય ગયા હતા. વરસાદી પાણી સ્થાનિક દુકાનદારો અને રહીશોના ઘર અને દુકાનમાં ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ધંધા ઠપ્પ : ડીસાથી પાંચ કિલોમીટર દૂર આવેલા આખોલ ચાર રસ્તા પાસે વધુ વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લગભગ 60 થી 65 દુકાનોની આગળ પાણી ભરાઈ જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનદારોને પાંચથી સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. જેથી દુકાનદારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવી સમસ્યાનો ઉકેલ ન જણાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે.
વેપારીને આર્થીક નુકશાન : વરસાદી પાણીના ભરાવાથી અસરગ્રસ્ત દુકાનદાર જયંતીજીએ જણાવ્યું હતું કે, ડીસામાં સામાન્ય વરસાદ જ પડ્યો છે. એટલામાં અમારી દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. હાઇવે ઓથોરિટીએ ગટરોની સાફ-સફાઈ કરી નથી જેથી પાણીનો કોઈ જ નિકાલ થઈ શકતો નથી. વરસાદનું પાણી રોડ પર ભરાઈને અમારી દુકાનમાં ઘૂસી ગયું છે. તેના કારણે અમારે અંદાજે બે થી ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. અઠવાડિયા સુધી પાણી સુકાય તેમ નથી. હવે અમારે અઠવાડિયા સુધી કઈ રીતે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવું તે એક મોટો સવાલ છે.
સ્થાનિક લોકોની વેદના : મીડિયા સાથેની વાતચીતમાં ખાડિયા વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, આજે જે વરસાદ પડ્યો જેના કારણે અમારા વિસ્તારના 40 થી 50 ઘરોમાં પાણી ઘૂસ્યા છે. અમારી આ સમસ્યા છેલ્લા 20 થી 25 વર્ષથી છે. અમે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. જેથી અમારી માંગ છે કે, તંત્ર દ્વારા સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે.
ડીસાના ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયું હોવાનું અમારે ધ્યાને આવ્યું છે. હાલ તો પાણી ઓસરી ગયું છે. પરંતુ પાણી સુકાઈ જાય ત્યારબાદ ફરી પાણી ન ભરાય અને લોકોને સમસ્યા વેઠવી ન પડે તેના માટે કામગીરી હાથ ધરવામાં આવશે. -- ચીફ ઓફિસર (ડીસા નગરપાલિકા)
હાઈવે ઓથોરીટીનું નિવેદન : આ અંગે હાઇવે ઓથોરિટી સાથે ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ડીસા આખોલ ચાર રસ્તા પાસે ગટરમાં પાણી ન જવાના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. આ ગટરોની તપાસ કરી પાણી ન ભરાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.
- Deesa News : બાળકો અને માતાને ઝેરી પ્રવાહી આપી પિતાએ આત્મહત્યા કરવાની કરી કોશિશ
- Banaskantha News : ડીસાના ત્રણ યુવાનોની સાપ પકડવાની સેવા, 12000 જીવને જીવનદાન આપ્યું