બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારમાં વરસાદના કારણે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

ડીસા શહેરના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે હાલમાં જ ડીસા શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે આ તમામ રસ્તાઓ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યાં છે. નગરપાલિકા દ્વારા શહેરના મેઈન વિસ્તાર ગણાતા જલારામ મંદિરથી સાઈબાબા મંદિર સુધીનો રસ્તો હમણા જ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સાથે જ તે તૂટી ગયો હતો.
બીજી તરફ હાલ ભૂગર્ભ ગટરનું પણ કામ ચાલતુ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા આ રસ્તાનું સમારકામ કરી આપવામાં આવે તેવી વાહનચાલકોને માગ કરી રહ્યાં છે. આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં પ્રથમ વરસાદમાં જે વિસ્તારોમાં વરસાદી પાણીથી ધોવાણ થયું છે, તેનુ રીપેરીંગ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે. જેથી વાહન ચાલકોને હેરાન ન થવું પડે. હાલમાં જ સરકાર દ્વારા ડીસા આરટીઓ ચાર રસ્તાથી થરાદ સુધી નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જેનું કામકાજ પણ હાલમાં ચાલી રહ્યુ છે.

ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે દરરોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થાય છે. ખાસ કરીને આ રસ્તા રાજસ્થાન અને અન્ય રાજ્યોને જોડતો માર્ગ હોવાથી મોટી સંખ્યામાં અહીંથી ટ્રકો પસાર થાય છે, પરંતુ રસ્તાના ધોવાણ અને ખાડાની સમસ્યાને કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચે છે. જો સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો દર વર્ષે થતું કરોડો રૂપિયાનું આંધણ બચી શકે તેમ છે.
