- સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા
- બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર સક્કરટેટીનું વાવેતર
- ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા નવી પદ્ધતિ આપવામાં આવે છે
બનાસકાંઠાઃ જિલ્લાને રણની કાંધીને અડીને આવેલો જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.પાણીની વિકટ સમસ્યાની અસર સરહદી વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો પર પણ જોવા મળતી હતી. પાણી વગર મોટાભાગના ખેતરો સૂકાભટ્ટ જોવા મળતા હતા. જે બાદ ગુજરાત સરકારમાં પાણી માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોએ અનેકવાર આંદોલન કર્યા હતા. જે બાદ ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં નર્મદાની સુજલમ સુફલામ યોજના અંતર્ગત નહેરની સ્થાપના કરવામાં આવી અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આવતાની સાથે જ સરહદી વિસ્તારના ખેડૂતોના ખેતરો લીલાછમ બન્યા છે. મોટાભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ આ વર્ષે કચ્છની કેસર કેરીનું સારી એવી માત્રામાં ઉત્પાદન થાય તેવી શક્યતા
2 હજાર હેક્ટરમાં સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું
સૌ પ્રથમ વાર બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 2 હજાર હેક્ટરમાં સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડુતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. સક્કરટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે 2 હજાર હેક્ટર જમીનમાં સક્કરટેટીનું વાવેતર થયું છે. જો કે, બનાસકાંઠાની સક્કરટેટી સમગ્ર દેશ અને દુબઇમાં વખણાઇ રહી છે. ગુજરાતમાં બટાટાની શરૂઆત ડીસાની બનાસ નદીમાંથી થઈ હતી. બાદમા સકકરટેટી અને તરબૂચ પણ બનાસનદીમાં થતા, સમય જતા નદીનાં નીર સુકાયા અને બટાટાનું વાવેતર ખેતરોમાં શરૂ થયુ હતું. તેમ વર્ષો બાદ સક્કરટેટી અને તરબૂચનું વાવેતર પણ ખેતરોમાં શરૂ થયુ હતું.
બનાસકાંઠાનાં ખેડુતો 2008માં ઇઝરાયલ ગયા
બનાસકાંઠાનાં ખેડુતો 2008માં ઇઝરાયલ ગયા હતા અને ત્યાં ટેટીનાં વાવેતરની આધુનિક રીત જોઇ ડીસાનાં ખેડુતોએ એક એકરમાં વાવેતર શરૂ કર્યું હતું. બનાસકાંઠાની ટેટી દેશ નહીં પંરતુ વિદેશમા પણ વખણાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી અને સારી એવી દર વર્ષે કમાણી કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત મંદી અને કુદરતી આપત્તિના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે. ડીસા અને બનાસકાંઠા પંથકમાં ઉનાળામાં બાજરી, મગફળીનું વાવેતર થતું હતું. છેલ્લાં 10 વર્ષથી ધીરે-ધીરે ખેડૂતો સક્કરટેટી અને તરબૂચ તરફ વળ્યા છે અને ખેડુતો આ ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ધરમપુરમાં મહારાષ્ટ્રથી આવતા રામધારી તરબૂચ વધી રહી છે માગ
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા દિનેશભાઈ ચૌધરી હાલમાં શક્કરટેટીના ઉત્પાદનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. દિનેશભાઈ ચૌધરી વર્ષોથી પોતાના ખેતરમાં ચીલાચાલુ ખેતી કરતા હતા પરંતુ જ્યારથી દિનેશભાઈ ચૌધરી ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરી છે ત્યારથી પોતાના ખેતરમાં અવનવા પાકોમાં ટેકનોલોજીના આધારે સારી એવી કમાણી કરી રહ્યા છે.
સક્કરટેટીનુ વાવેતર માર્ચ મહિનામાં થતું હોય છે
બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટીનુ વાવેતર માર્ચ મહિનામાં થતું હોય છે પરંતુ ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત દિનેશભાઈ ચૌધરી છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખેતરમાં જાન્યુઆરી મહિનામાં ક્રોપ કવર પદ્ધતિથી સક્કરટેટીની ખેતી કરી રહ્યા છે. શિયાળાની ઋતુમાં સક્કરટેટીનુ વાવેતર કરતા તેમાં આગોતરા રોગ, જીવાત થવાની ચિંતા પણ રહેતી નથી. જેના કારણે તેમને સક્કરટેટીનું ઉત્પાદન એક મહિના પહેલા મળી રહે છે અને મહિના પહેલાં મળતા સક્કરટેટીના ઉત્પાદનના કારણે તેમની સક્કરટેટીની માગ પણ બજારમાં સૌથી વધારે રહેતી હોય છે.
સક્કરટેટીના ભાવ આઠથી દસ રૂપિયા હોય છે
દર વર્ષે બજારોમાં સક્કરટેટીના ભાવ આઠથી દસ રૂપિયા હોય છે પરંતુ દિનેશભાઈ ચૌધરી એક મહિના પહેલા સક્કરટેટીનું ઉત્પાદન મેળવી લેતા તેમને 20થી 25 રૂપિયા મળી રહે છે. એક મહિના પહેલા સક્કરટેટીનુ વાવેતર થતાં વાતાવરણ પણ અનુકૂળ આવે છે. દિનેશભાઇએ પોતાને 20 વીઘા જમીનમાં છેલ્લા ત્રણ વર્ષથી ક્રોપ કવર પદ્ધતિથી સક્કરટેટીનુ વાવેતર કરી રહ્યા છે. જેના કારણે તેમને દર વર્ષે તેમની સક્કરટેટીની માગ રાજસ્થાનના બાડમેર અને જાલોરમાં સૌથી વધુ રહે છે. જેના કારણે દિનેશભાઈ ચૌધરીને એક વીઘા જમીનમાંથી દોઢ લાખ રૂપિયા જેટલો નફો મળી રહેશે.
ખેડૂતો આ જ રીતે દર વર્ષે સક્કરટેટીનુ વાવેતર કરે તો સારી કમાણી ખેડૂતો કરી શકેઃ દિનેશભાઇ
દિનેશભાઇએ જણાવ્યું હતું કે જો અન્ય ખેડૂતો પણ આ જ રીતે દર વર્ષે સક્કરટેટીનુ વાવેતર કરે તો સારી કમાણી ખેડૂતો કરી શકે તેમ છે. દિનેશભાઈ ચૌધરીએ સક્કરટેટીની સાથો સાથ પોતાના ખેતરમાં દાડમનું વાવેતર કરે છે. નવી નવી ટેકનોલોજીના કારણે તેમના દાડમની માગ દિલ્હીમાં સૌથી વધુ રહે છે અને જેના કારણે દાડમના પાક માટે પણ દિનેશભાઈ દર વર્ષે સારી કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે એક જ ખેતી આધારિત હોય છે પરંતુ દિનેશભાઈ ચૌધરીએ પોતાની જમીન પર હાલ અલગ અલગ પ્રકારની ખેતી કરી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. આ અંગે સક્કરટેટીનુ વાવેતર કરનાર દિનેશભાઈ ચૌધરી ETV BHARAT સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ચીલાચાલુ ખેતી કરતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ડીસાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશભાઈ પવાર દ્વારા તેમને સક્કરટેટીનુ વાવેતર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારથી તેઓ શિયાળાની ઋતુમાં જ તેનું વાવેતર દર વર્ષે કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ત્રણ હજાર હેક્ટરમાં સક્કરટેટી અને 2 હજાર હેક્ટરમાં તડબૂચનું વાવેતર કર્યું
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ત્રણ હજાર હેક્ટરમાં સક્કરટેટી અને 2 હજાર હેક્ટરમાં તડબૂચનું વાવેતર કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળુ સિઝનમાં અન્ય પાકોનું વાવેતર કરતા હતા. જ્યારથી ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કરીને ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. દર વર્ષે ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પાકને લગતા વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે ઉનાળાની શરૂઆત પહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સક્કરટેટીના વાવેતરમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લાના ખેડૂતો સામાન્ય ખેતી કરતા હતાઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવાર
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સક્કરટેટીના પાકમાં ક્રોપ કવર પદ્ધતિથી વાવેતર કરવાનું શરૂ કરાવવામાં આવતા હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સક્કરટેટીના પાકમાં સારી આવક મેળવી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દર વર્ષે ખેડુત લગતી નવી પદ્ધતિઓ શરૂ કરવામાં આવતા ખેડૂતોના સમયમાં પણ ફાયદો થાય છે અને ખર્ચમાં પણ સતત ઘટાડો જોવા મળે છે. આ અંગે બીજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. યોગેશ પવારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સામાન્ય ખેતી કરતા હતા પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાત લેવા માટે આવ્યા છે ત્યારથી તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાકને લગતી નવી પદ્ધતિઓ આપવામાં આવી છે અને તેના કારણે હાલમાં ખેડૂતો સારી કમાણી પણ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત દિનેશભાઈ ચૌધરી પણ હાલમાં સક્કરટેટીના પાકમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.