સુરત વીસ બાળકોના કરૂણ મોત થતા બનાસકાંઠા શિક્ષણ વિભાગ એકશનમાં આવ્યુ છે. આજરોજ વહીવટીતંત્ર દ્વારા તમામ ટ્યુશન ક્લાસીસ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. તેનુ પાલન થયુ છે કે નહી તે જોવા આજરોજ સવારથી જ શિક્ષણવિભાગ દ્વારા અલગ-અલગ ચાર ટીમો બનાવી ગેરકાયદેસર ચાલતા ટ્યુશન ક્લાસીસ પર તપાસ હાથ ધરાઈ હતી. તપાસ કરનારી ટીમે ગેરકાયદેસર ચલાવતા કલાસીસના સંચાલકો સામે કાયદેસર ની કાર્યવાહી કરી હતી
પાલનપુરમાં ગઠામણ ગેટ પાસે આવેલ ટાર્ગેટ ટ્યુશન ક્લાસીસ છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આ ક્લાસીસમાં અંદાજે 70 થી વધુ બાળકો અભ્યાસ અર્થે આવતા હતા. ત્રીજા માળે આવેલા ક્લાસીસ માટે કોઈપણ પ્રકારની ફાયર સેફટીની સુવિધા કે કોઈપણ પ્રકારની અન્ય મંજૂરી પણ લીધી નહોતી. શિક્ષણ વિભાગે આ ક્લાસીસ સંચાલકને આ ક્લાસ બંધ કરી જરૂરી મંજૂરી બાદ જ શરૂ કરવા માટે સુચના આપી છે. તંત્રની આ તવાઈ થી ટયુશન કલાસિસના સંચાલકોમાં ફફડાટ પેસી ગયો છે.