બનાસકાંઠા જિલ્લાને છેલ્લા પંદર દિવસથી રોગચાળાએ ભરડામાં લીધો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ડેન્ગ્યુ અને વાયરલ ફીવર સહિતના રોગના કારણે બનાસકાંઠા જીલ્લાની હોસ્પિટલો ઉભરાઇ રહી છે. તેવામાં ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં કોંગો ફિવરના કારણે એક આઠ વર્ષીય બાળકનું કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.
ફતેપુરા ગામમાં રહેતા આઠ વર્ષીય કપિલ પટેલ નામના બાળકને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જો કે, તેનું કોંગો ફીવરના કારણે મોત થયું હોવાની જાણકારી મળતા આરોગ્ય વિભાગની ટીમ મૃતકના ઘરે પહોંચી હતી અને તેના બ્લડ સેમ્પલ લઇ તપાસ અર્થે પુના લેબમાં મોકલી આપ્યા હતા. જો કે, તેનો રિપોર્ટ ત્રણ દિવસ બાદ આવશે. ત્યારબાદ જ નકકી થશે કે, તે બાળકનું મોત કઇ રીતે થયું હતું. પરંતુ, આ બનાવના પગલે આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમે ગામમાં પહોંચી આ રોગ વધુ ન ફેલાઇ તે માટે દવાઓનો છંટકાવ કરી રોગચાળો ફેલાતો અટકાવવા માટે પ્રયાસો કર્યા હતાં.