ડીસાઃ શહેરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક રોડ પર પાણી ભરાયા હતા. ડીસાના રાજ મંદિર મલ્ટીપ્લેક્ષ પાસેથી પસાર થતો ડીસા-પાલનપુર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ હાઈવે પર વરસાદી પાણી ભરાય છે અને બાબતે આજુબાજુના રહેવાશીઓએ આ વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆતો કરી હોવા છતા આજ સુધી આ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.
હાઈવમાં ભારે વરસાદના કારણે નદીની જેમ વરસાદી પાણી ભરાઈ જતા કિલોમીટર સુધી વાહન ચાલકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. આ વરસાદી પાણી ભરાવાના કારણે સૌથી વધુ અહીંથી પસાર થતાં વાહનચાલકો પરેશાન થયા હતા. ક્યાંક આ વરસાદી પાણીના કારણે લોકોના વાહનો બંધ થયા હતા તો ક્યાંક વરસાદી પાણી ભરાવાના કારણે આજુબાજુના દુકાનદારો પાણી ભરાવાના કારણે અવરજવરમાં મુશ્કેલી વેઠી હતી. ત્યારે અહીંથી પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ છે.
એક તરફ હાલમાં ઓવર બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે અહીંથી વાહનચાલકોને એક લાઈનમાં જ ચાલવું પડે છે. જેમાં મોટા ટ્રકો અને બસ રોડ પર આવી જતા નાના વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા રહેવું પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે હાઇવે ઓથોરિટી દ્વારા આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે જેના કારણે અહીંથી રોજના મોટી સંખ્યામાં પસાર થતા વાહનચાલકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ વેઠવાનો વારો ન આવે.