બનાસકાંઠા: કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વ ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના વાઈરસના સંક્રમણની અટકાવવા માટે દેશ લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે બાદ અઢી મહિનાના સમયગાળા પૂર્ણ થતાંની સાથે જ દેશને લોકડાઉનમાંથી ધીરે-ધીરે છૂટ આપવામાં આવી હતી.
લોકડાઉન ખુલતાની સાથે જ બજારો અને જાહેર રસ્તા ઉપર લોકોની અવર જવરમાં વધારો થવા લાગ્યો હતો. જેના કારણે દિવસેને દિવસે દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં પણ લોકડાઉન ખુલતાની સાથે તમામ ધંધા-રોજગાર ખુલવા પામ્યા હતા અને વ્યાપાર ધંધા રોજગાર ખુલતાની સાથે જ બજારો લોકોથી ભીડ ઉભરાઈ હતી. જેના કારણે લોકોનું સંક્રમણ વધવા લાગ્યું હતું. સંક્રમણ વધતાની સાથે જ ડીસા અને પાલનપુરમાં રોજના આશરે 10થી વધુ કેસો પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.
આમ, સતત વધતા જતાં કેસના કારણે બનાસકાંઠા જિલ્લા કલેકટરે ડીસા અને પાલનપુરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જિલ્લા કલેકટરે ચાર વાગ્યા બાદ સંપૂર્ણપણે લોકોની અવરજવર અને બજાર બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટરના જાહેરનામા બાદ ડીસા અને પાલનપુર સવારે સાત વાગ્યા પોતાના તમામ ધંધા-રોજગાર શરૂ કર્યા હતા અને ચાર વાગ્યા બાદ સંપૂર્ણપણે બંધ થયા હતા. ડીસા અને પાલનપુરના જે બજારોમાં રોજના હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હતા. તે તમામ લોકો પર આજથી ચાર વાગ્યા બાદ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડીસા અને પાલનપુરમાં સતત વધતા જતા કોરોના વાઈરસના કારણે જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને વેપારીઓએ પણ સારો ગણાવ્યો હતો અને સ્વયંભૂ ચાર વાગ્યા બાદ વેપારીઓએ પોતાના નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ કર્યા હતા. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ ચાર વાગ્યા બાદ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે લોકોને માર્ગદર્શન આપી ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી.