બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં અનેક વખત વિવાદો થયા છે, જેમાં સોમવારના રોજ જનરલ બોર્ડમાં વિકાસ કામોને લઈને વિવાદ સર્જાયો હતો. સોમવારે પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ શિલ્પા બેન માળીના અધ્યક્ષ સ્થાને બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટાયેલા ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના સભ્યો સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ હાજર રહ્યાં હતા. આ બોર્ડ બેઠક શરૂ થાય અને ચર્ચા થાય તે પહેલાં સભ્યોની સહી લીધા બાદ તરત જ પ્રમુખ શિલ્પાબેન માળીએ બોર્ડ પૂર્ણ થયાની જાહેરાત કરી રવાના થતા હાજર પાલિકાના સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો અને બોર્ડમાં મુદ્દાસર ચર્ચા કરવાની માગ કરી હતી.
બોર્ડ પૂર્ણ થયાની જાહેરાત કરી દેતા ભાજપના સદસ્યો લોકહિતના પ્રશ્નોની ચર્ચા માટે બોર્ડ ફરી બોલાવવાની માગ કરી હતી. સાથે સભ્યોએ જણાવ્યું હતું કે, ત્રણ લોકહિતના મુદ્દા હતા, જેની ચર્ચા કરવી જરૂરી હોવા છતાં અમારા પ્રમુખે કોઈ જ ચર્ચા કર્યા વગર રવાના થયા છે, એ યોગ્ય નથી અમે પાર્ટીમાં જાણ કરીશું.
સોમવારની પાલિકાના બોર્ડમાં જે ત્રણ મુદ્દા હતા, જેમાં ડીસા શહેરનું ઓવરબ્રિજ, સાયન્સ કોલેજ અને બગીચાના મુદ્દા હતા, આ મામલે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સાયન્સ કોલેજ માટે યુનિવર્સિટી પાસે હજુ મંજૂરી માંગી છે અને ઓવરબ્રિજએ વિધાર્થીઓને ધ્યાને લઈને સરકારે મજૂર કર્યો છે. જ્યારે બગીચો તે સરકારની જમીનમાં પૂર્વ પાલિકાના પ્રમુખએ બનાવી દઈ પાલિકાને નુકસાન પહોચાડ્યું છે, છતાં સરકારમાં રજૂઆત કરી પ્રજા માટે બગીચો ખુલ્લો કરાવવા અમે પ્રયત્ન કરીએ છીએ. સાથે એ પણ જણાવ્યું હતું કે, જે ભાજપના સદસ્યોએ અન્ય પક્ષના સભ્યો સાથે મળીને વિરોધ કરી રહ્યાં છે. જે માટે અમે પાર્ટીમાં રજૂઆત કરીશું.