ડીસાઃ ભારત દેશ એ ખેતી આધારિત દેશ છે. મોટાભાગે ભારત દેશમાં ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા જિલ્લો છે. કોરોના વાઇરસની મહામારીમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મગફળીનું મોટાપ્રમાણમાં ઉત્પાદન કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ અને તીડના આતંકથી મોટું નુકસાન વેઠ્યું હતું. જેના કારણે ખેડૂત સતત મંદીનો માર સહન કરતા દેવાદાર બન્યો હતો. ત્યારે આ વર્ષે જિલ્લામાં મગફળીની સારી આવક માર્કેટયાર્ડોમાં થતા ખેડૂતોને અને વેપારીઓને સારી આવક મળી રહી છે.
ડીસા પંથકમાં આ વર્ષે ઉનાળુ સીઝનમાં બાજરીની સાથે સાથે ઉનાળુ મગફળીનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થવા પામ્યું હતું. આથી અનુકૂળ વાતાવરણ અને પિયત સુવિધાના કારણે મગફળીનું ઉત્પાદન પણ નોંધપાત્ર થવા પામ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં છેલ્લા એક મહિનાથી મગફળીની આવકમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને એક જ દિવસમાં મગફળીની 55 હજાર જેટલી બોરીની આવક નોંધાઇ હતી. માર્કેટયાર્ડ બન્યું ત્યારથી અત્યાર સુધી એક જ દિવસમાં મગફળીની સૌથી વધુ આવક થઈ હોવાનું માર્કેટયાર્ડના સેક્રેટરી અમરતભાઈ જોશીએ જણાવ્યું છે.
આ વર્ષે ઉનાળુ મગફળીનું ઉત્પાદન પુષ્કળ થતા આવક પણ વધી છે, સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીનો ભાવ 1100 રૂપિયા ભાવ છે, જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિમણ મગફળીનો ભાવ 1000થી 1251 રૂપિયા રહેતા ખેડૂતોને મગફળીમાં પ્રતિ મણે ટેકાના ભાવ કરતા પણ 100થી 150 રૂપિયા વધારે મળી રહ્યા છે, કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે હવે ડીસા પંથકમાં પણ આ વર્ષે ઉનાળુ મગફળીના મબલખ ઉત્પાદનની સાથે-સાથે માર્કેટ યાર્ડમાં સારા ભાવો પણ મળી રહ્યા છે. જેથી ખેડૂતો અને વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.