બનાસકાંઠા : ડીસાની મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં સબ જેલ આવેલી છે. જ્યાં આજે ફૂડ પોઇઝનીંગના કારણે આરોપીઓ બેભાન થઈ ઢળી પડતા દોડધામ મચી ગઈ હતી. ડીસાની આ સબ જેલમાં 30 આરોપીઓને રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન આજે સવારે આરોપીઓને સરકારી મેનુ મુજબ મગનું શાક, દાળ-ભાત, રોટી અને છાશ આપવામાં આવ્યું હતું. ભોજન આરોગ્યા બાદ અચાનક 3 આરોપીઓને વોમીટ શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા વિભાગના Dysp ડો. કુશલ ઓઝા, ગ્રામ્ય મામલતદાર, આરોગ્ય ટીમ સહિત પોલીસ કાફલો સબ જેલ ખાતે પહોચ્યો હતો.
16 આરોપીઓને સારવાર માટે હોસ્પિટલમાં : કાફલાએ તરત જ અસરગ્રસ્ત આરોપીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જેમાં ત્રણ અસરગ્રસ્ત આરોપીઓની સાથે ભોજન લેનાર 16 આરોપીઓને પણ સારવાર માટે ખસેડી હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ આરોપીઓની તબિયત સુધારા પર છે. બનાવને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ ભોજનના તેમજ પાણીના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
આજે સબ જેલમાં અચાનક ત્રણ આરોપીઓને વોમીટ શરૂ થતા પોલીસ સહિત અલગ અલગ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. અસરગ્રસ્ત ત્રણ આરોપીઓની સાથે અન્ય શંકાસ્પદ 16 આરોપીઓને પણ સારવાર અર્થે ખસેડી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમે ખોરાક અને પાણીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અત્યારે કોઈ સિરિયસ જેવું છે નહીં અત્યારે બધા નોર્મલ છે. - નેહા પંચાલ (નાયબ કલેક્ટર)