બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો માટે ચોમાસાનો છેલ્લો વરસાદ મુસીબત લઈને આવ્યો છે. તાજેતરમાં થયેલા વરસાદના કારણે ડીસામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.
આમ તો વરસાદ ખેડૂતોના વાવેતરને જીવતદાન આપતો હોય છે. પરંતુ જ્યારે નસીબ જ ખરાબ હોય, ત્યારે જીવતદાન આપતો વરસાદ પણ નુકસાન કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી અને અત્યારે આવું જ કઈક ડીસા તાલુકાનાં ખેડૂતો સાથે બની રહ્યું છે. ડીસા તાલુકાનાં ખેડૂતોના માથે કોઈ દશા બેઠી હોય તેમ ખેતીમાં એક પછી એક નુકસાનીની માર પડી રહી છે.
વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદ, ત્યારબાદ તીડોનું આક્રમણ, ત્યારબાદ કોરોનાના લીધે લોકડાઉન અને હવે તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાની થઇ છે. તાજેતરમાં થયેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં કરવામાં આવેલા ચોમાસું વાવેતર પર પાણી ફરી વળ્યું છે અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે.
આ વિસ્તારમાં ખેડૂતોએ ચોમાસુ ખેતીમાં મગફળી, કપાસ, એરંડા, રજકા બાજરી, ગવાર જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે વરસાદના કારણે પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતો હવે રવી સિઝનના વાવેતર કરવા માટે સરકાર દ્વારા સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. વારંવાર નુકસાનીની માર ખાઈ રહેલા ખેડૂતોને ફરી પગભર બનવા માટે સરકારની મદદની જરૂર જણાઈ રહી છે.