બનાસકાંઠા: બિપરજોય વાવાઝોડાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પૂર ઝડપે પવન અને ભારે વરસાદના કારણે હજારો વૃક્ષો પડી ગયા છે. વીજળીના પોલ ધરાશાયી થતા અનેક ગામમાં અંધારપટ છવાયો છે. તેમજ અનેક ઘરોના છાપરા-શેડના પતરાઓ ઉડી ગયા છે. આમ વાવાઝોડાએ ખૂબ જ મોટું નુકસાન સર્જીયુ છે ત્યારે ડીસા તાલુકાના લોકોની સમસ્યાઓ મુશ્કેલીઓ અને ફરિયાદો સાંભળવા અને તેના ત્વરિત નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.
લોકોને સમસ્યા ન પડે તે માટે કામગીરી: ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે કંટ્રોલરૂમની મુલાકાત લઈ અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. કુદરતી આકાશી આફતને પહોંચી વળવા તેમજ લોકોને ઈમરજન્સી સેવાઓ મળી રહે અને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે સૂચનાઓ આપી પોતે પણ જાત દેખરેખ રાખી રહ્યા છે. કંટ્રોલરૂમમાં મેસેજ મળતા વીજ કંપનીની ટીમો, માર્ગ અને મકાન વિભાગની ટીમો,વન વિભાગની ટીમ તેમજ આરોગ્યની ટીમો દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે પહોંચી લોકોને તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
લોકો નુકસાન માટે કરી રહ્યા છે વળતરની માગ: આ બાબતે મીડીયા સાથેની વાતચીતમાં મફાભાઈએ જણાવ્યું હતું કે અમે રાત્રે સુતા હતા તે દરમિયાન રાતના ત્રણ વાગ્યે આજુબાજુ અચાનક ભારે વાવાઝોડું આવ્યું હતું જેના કારણે અમારા ઘરના તમામ નળિયા અને પતરા ઉડી ગયા છે. જેથી અમે બધા બહાર નીકળી ગયા હતા અને અમારો જીવ બચ્યો છે. અમારા ઘરના નળિયા ઉડી જતા અમને પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થયું છે તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી સરકાર કંઈક સહાય કરે.