- જિલ્લામાં કોવિડ રસીકરણ માટે તંત્રનું માઈક્રો પ્લાનિંગ
- 31 માર્ચ સુધી તમામ સિનિયર સિટીઝનને કોરોના રસી આપવાનું લક્ષ્યાંક
- જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને PHC સેન્ટરોને અપાયા દિશા નિર્દેશ
બનાસકાંઠા: જિલ્લાની કુલ વસ્તી 38 લાખ છે. આ જિલ્લો ભૌગોલીક દ્રષ્ટિએ ખૂબ મોટો છે અને 14 તાલુકાઓમાં વિભાજીત હોવાથી પ્રત્યેક જિલ્લાવાસીઓને કોરોનાની રસી આપવી એ એક પડકારજનક બાબત છે. જેથી, વહીવટીતંત્રે રસી આપવા માટેનું માઈક્રો પ્લાનિંગ હાથ ધર્યું છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા આરોગ્ય કેન્દ્રો, PHC સેન્ટરો તેમજ હેલ્થ વર્કરો સાથે મિટિંગ કરી 31 માર્ચ સુધી જિલ્લાના તમામ સિનિયર સિટીઝનને કોવિડ 19ની રસી આપી દેવાનું આયોજન હાથ ધરાયું છે. રસી બાબતે શરૂઆતમાં લોકોમાં થોડો ભય જોવા મળતો હતો. પરંતુ, આરોગ્ય કર્મચારીઓએ સહુથી પહેલાં કોરોનાની રસી લીધાં બાદ રસી સુરક્ષિત હોવાનું માલુમ પડતાં અત્યાર સુધીમાં 1 લાખ 10 હજાર જેટલા સિનિયર સિટીઝન મળી અંદાજિત 1.5 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકો પણ લગાવી શકશે કોરોના રસી
માતા પિતાને લઈ રસી અપાવવા લોકો પહોચ્યાં
જિલ્લામાં કોરોનાની રસી આપવાના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સ્થળોએ રસીકરણ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે. પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલ સાર્વજનિક દવાખાનામાં કોરોનાનું રસીકરણ શરૂ કરાતાં 50 વર્ષીય વ્યક્તિ પોતાનાં 80 વર્ષથી મોટી ઉંમરના માતાપિતાને રસી અપાવવા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમામ લોકોએ આગ્રહપૂર્વક લેવી જ જોઈએ.
31માર્ચ સુધી તમામ સિનિયર સિટીઝનને કોવિડની રસી આપી દેવાશે
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ તેમજ 45 વર્ષથી મોટી ઉંમરની બીમારીથી પીડિત વ્યક્તિઓને કોરોનાની રસી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે હેઠળ, અત્યાર સુધીમાં દોઢ લાખ જેટલાં લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ સિનિયર સિટીઝનને 31 માર્ચ સુધીમાં રસી આપી દેવા માટેનું સુચારુ આયોજન કરાયું છે.
આ પણ વાંચો: 'પ્રતિષ્ઠાન' કોરોના રસીકરણ કેમ્પનો પ્રારંભ કરાવતા પ્રધાન કુંવરજી બાવળીયા
રસીકરણ કેન્દ્રોમાં નથી થતું નિયમોનું પાલન
બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ કોરોનાની રસીકરણ કેમ્પ કરવામાં આવે છે. પરંતુ, આવા કેન્દ્રોમાં રસીકરણ માટે નિયમોનું પાલન થતું નથી. કોરોના રસી લેનાર માટે વેઇટિંગ રૂમ, રસીકરણ રૂમ તેમજ ઓબ્ઝર્વેશન રૂમ આ 3 પ્રકારની સુવિધાઓ સાથે પ્રાથમિક ટ્રીટમેન્ટની સુવિધા પૂરી પાડવી આવશ્યક છે. તેમ છતાં, પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં સાર્વજનિક દવાખાનામાં યોજાયેલ રસીકરણ કેમ્પમાં કોઈ જ વેઇટિંગ રૂમ કે ઓબ્ઝર્વેશન રૂમની કે અન્ય બેઝિક સુવિધાઓ પણ જોવા મળી નહોતી.