જોકે પ્રમુખનો ગુસ્સો જોઈ કાર્યક્રમને આટોપી દેવામાં આવ્યો હતો. મહિલા આયોગનાં સભ્ય એ જો મહિલા પ્રમુખનો અનાદર કરાયો હશે તો તપાસ કરવાની ખાત્રી આપી હતી.
બનાસકાંઠા જિલ્લા પંચાયત ICDS શાખા દ્વારા ડીસા ખાતે મહિલા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, રાષ્ટીય મહિલા આયોગનાં સભ્ય ડો, રાજુલા બેન દેસાઈ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિતનાં નેતાઓને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પીનાબેન ઘાડિયાને અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપતા તમેજ જિલ્લા પંચાયત આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં મહિલા પ્રમુખની અવગણના કરતા મહિલા પ્રમુખ પીનાબેન ઘાડિયા અધિકારીઓ પર રોષે હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની એન્ટ્રી થતા જ સ્ટેજ પરના પદાધિકારી અને અધિકારીઓ મુંજવણમાં મુકાઈ ગયા હતા. જોકે પ્રમુખ પીના બેન જેવા સ્ટેજ ઓર ગયા ત્યારે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ સંબોધન કરી રહ્યા હતા જે સંબોધન પૂર્ણ થતાં જ સ્ટેજ પરથી માઇક હટાવી કાર્યક્રમને પૂર્ણ કરેલો જાહેર કરી દીધો હતો જોકે એ સમયે જિલ્લા પંચાયતનાં પ્રમુખ પીના બેનએ સાંસદ પરબતભાઇ પટેલ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી જોકે એ સમયે ડીસાનાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા દોડી આવી પ્રમુખને સમજાવી માંડ મામલો થાળે પાડ્યો હતો.
જોકે આ બાબતે મહિલા આયોગના સભ્ય ડો રાજુલા બેન દેસાઈ આ કાર્યક્રમમાં હાજર હતા તેમને મહિલા ચિંતન શિબિરમાં મહિલા જિલ્લા પંચાયતનાં પ્રમુખને પ્રોટોકોલનો ભંગ કરીને પણ અવગણના કરવા પાછળનુ કારણ પૂછતાં તેઓ આ બાબતને ગંભીર ગણી યોગ્ય તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવાની વાત કરી હતી.
કાર્યક્રમમાં આવેલા અને રોષે ભરાયેલા જિલ્લા પંચાયતનાં પ્રમુખ પીનાબેન ઘાડિયાએ સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. આ સરકાર માત્ર મહિલાઓનાં નામે નાટક ભજવી રહી છે, મહિલાઓને ક્યારેય ન્યાય મળ્યો નથી મારી અવગણના કરવામાં આવી છે. એકવાર ભૂલ થઈ હોય તો માફ કરાય પણ વારંવાર ભૂલ ન બહાના બતાવી અમને દૂર રાખવામાં આવી રહ્યા છે.
આજે મહિલા ચિંતન શિબિરમાં જ મહિલા પ્રમુખની બાદબાકી કરતા મામલો ગરમાયો હતો. જોકે મહિલા પ્રમુખનો રોષ જોઈ કાર્યક્રમને પડતો મૂકી એકપછી એક અધિકારીએ સ્ટેજ પરથી ચાલતી પકડી હતી જ્યારે આ કાર્યક્રમના આયોજક આઈ સી ડી એસનાં અધિકારીતો પ્રમુખનો જોઈને જ રવાના થયા હતા. આમ મહિલા ચિંતન શિબિરમાં મહિલાની બાદબાકી કરવી અધિકારીઓને ભારે પડી હતી.