ડીસા: રખડતાં પશુઓના કારણે લોકોના જીવ જઇ રહ્યા છે. એમ છતાં કોઇ પણ નિયમ તંત્ર દ્રારા લેવામાં આવી રહ્યો નથી કે જેના કારણે આ મોતનો આંકડો રોકી શકાય. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં પશુઓની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતાં પશુઓ દિનપ્રતિદિન રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતાં શહેરીજનો મુશ્કેલી ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ રખડતા પશુઓ લેતા એક બાળકી સહિત આઠ લોકો ને ગંભીર ઈચ્છા પહોંચી હતી. જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે અગાઉ પણ ડીસા શહેરમાં અનેક વખત આંદોલન થયા છે. લોકોએ ફરિયાદ કરી છે.
" શહેરમાં વારંવાર રખડતા પશુઓ લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ દ્વારા કોઈ જ પગલાં લેવાયા નથી. જેથી અમે નિષ્ફળ તંત્ર સામે ફરિયાદ કરી છે." -- યોગેશ ભારતી ગોસ્વામી (ફરિયાદી )
પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું: નાયબ કલેકટર જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. જેથી આ સમસ્યાથી પીડાતા જાગૃત નાગરિક યોગેશ ભારતી ગોસ્વામીએ રખડતા પશુઓની સમસ્યાને ઉકેલવામાં નિષ્ફળ ગયેલ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને રખડતા પશુઓ નિયંત્રિત કરવા માટે જે વિભાગની જવાબદારી હોય તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં પીછેહઠ થશે તો હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
"હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પણ નગરપાલિકા આ બાબતે કોઈ જ ગંભીરતા દાખવવી નથી જેના કારણે કેટલીક વખત રખડતા પશુઓ લોકોને ઈજા પહોંચાડે છે. તેમનો જીવ પણ જોખમમાં મુકાય છે જે ભારતીય ફોજદારી ધારાની કલમ 289 મુજબ ગુનો બને છે. જે અંગે યોગેશ ભારતી ગોસ્વામી એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને રખડતા પશુની જવાબદારી જે વિભાગની હોય તે વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સામે ફરિયાદ કરી છે" --ધર્મેન્દ્રભાઈ ફોફાણી (વકીલ )
રાજકોટમાં ઢોરના કારણે મોત: જિલ્લાના લોધીકા તાલુકામાં આવેલા લોઠડા ગામે રહેતા સંજય હકાભાઇ નાગડુકિયા નામનો યુવાન પોતાના બેંકના ખાતામાં પગાર આવ્યો હોવાના કારણે તે લોધિકા થી ખોખડદળ વચ્ચે એટીએમમાં પૈસા ઉપાડવા જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં અચાનક ગાય વચ્ચે આવતા યુવાનો બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે ઘટનામાં તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સંજયને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે.