- ડીસામાં ઠંડીનો પારો ગગડ્યો
- ઠંડીથી લોકોના જનજીવન પર અસર
- ઠંડીથી રક્ષણ મેળવવા લોકો કરી રહ્યા છે યોગ પ્રાણાયમ
બનાસકાંઠાઃ ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેને લઇને ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જિલ્લામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. હાલ અહીં 6થી 7 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. લોકો ગરમ કપડાં તો પહેરે જ છે તેમ છતાં અસહ્ય ઠંડી પડતી હોવાથી કેટલાક લોકો કસરત અને યોગ કરી ઠંડીની સામે રક્ષણ મેળવવાની સાથે-સાથે શરીરમાં સ્ફૂર્તિનો સંચય કરી રહ્યા છે.
- ઠંડીથી રક્ષણ મેળવવા લોકો કરી રહ્યા છે યોગ-પ્રાણાયમ
યોગ એ પ્રાચીન ભારતની ધરોહર છે અને દેશના વડાપ્રધાન મોદીએ પણ સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર પ્રસાર પણ ખૂબ જ કર્યો છે. ત્યારે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી એવા યોગને લઈ ડીસા ખાતે ત્રણ હનુમાન મંદિરમાં કડકડતી ઠંડીમાં પણ યોગશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં ડીસા શહેરની જનતા ઠંડીમાં પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને અલગ-અલગ પ્રકારના યોગ પ્રાણાયામ કર્યા હતા.
- યોગ ગુરુદ્વારા તમામ સોસાયટીઓમાં યોગ-પ્રાણાયામ શરૂ કરાયા
શિયાળાની ઋતુ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે લોકોની ભીડ એકત્ર કરવા પર પ્રતિબંધ છે. જેના કારણે દર વર્ષે ડીસા ખાતે યોજાતા યોગ-પ્રાણાયામના કાર્યક્રમો આ વર્ષે રદ કરવામાં આવ્યા હતા. હવે યોગાસનના પ્રશિક્ષણ આપનાર યોગ ગુરુદ્વારા તમામ સોસાયટીઓમાં યોગ-પ્રાણાયામ શરૂ કરવામાં આવ્યા છે અને માત્ર 20થી 25 લોકો આ યોગ પ્રાણાયામમાં જોડાઈ યોગાસન કરતા નજરે પડ્યા હતા. આજે ડીસામાં 5 ડિગ્રી ઠંડી હોવા છતાં પણ લોકો યોગ કરવા જોડાયા હતા અને લોકોએ ફૂલગુલાબી ઠંડીનો પણ અહેસાસ કર્યો હતો.