બનાસકાંઠાના ડીસા શહેરના વિકાસ અને સાફ-સફાઈ માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના સાધનોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ આ સાધનો હાલમાં નગરપાલિકાના સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યાં છે. એક તરફ સરકાર 'સ્વચ્છ ભારત' જેવા કાર્યક્રમ દ્વારા શહેર, રાજ્ય અને દેશ સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત ડીસા નગરપાલિકાને પણ સરકારે સાફ-સફાઈ માટે હાથલારી, ટ્રક અને ક્રેઈન સહિતના સાધનો આપ્યાં છે. પરંતુ હાથલારી આપી છે તો કચરો ભરવા ડબ્બા નથી આપ્યા. ટ્રક આપી છે પરંતુ ડ્રાઈવર નથી. ક્રેઈન આપી છે તો ક્રેઈન ઓપરેટર નથી. જેના લીધે લાખો રૂપિયાના સાધનો તંત્રની અણઆવડતના કારણે નગરપાલિકાના સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યાં છે.
ડીસા શહેરના અનેક વિસ્તારો ગંદકીમાં ગરકાવ છે. નગરપાલિકા વિસ્તારમાં બે લાખની વસ્તી સામે માત્ર 300 જેટલા સફાઈ કર્મચારીઓ છે. ઉપરાંત નાના અને ગીચ વિસ્તારમાં જઈ શકે તેવા સફાઈના સાધનો પણ નગરપાલિકા પાસે પૂરતા નથી ત્યારે બીજી તરફ સરકારે સ્થાનિક સત્તાધીશો સાથે પરામર્શ કર્યા વિના જ લાખો રૂપિયાના સાધનોની ફાળવણી કરી દીધી છે. જેના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષથી આવા સાધનો નગરપાલિકાના સ્ટોરમાં સડી રહ્યાં છે. તેના પર ભેજ લાગી ગયો છે. અને હાથ લારી ઉપર ઝાડ ઉગી નિકળ્યાં છે.