અમદાવાદ ડેસ્ક/અંબાજી: કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય શક્તિપીઠ અંબાજીમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં અંબાજીનો માહોલ અનોખો હોય છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી ભાવિકો વિશ્વાસ સાથે માતાજીના દર્શન હેતુ આવે છે. પરંતુ આઠમના દિવસે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હોય એવો માહોલ જોવા મળે છે. શક્તિપીઠમાં ચૈત્રી નોરતા હોય કે આસો માસના નોરતા ગરબા અને ભજન સાથે સમગ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
મહિનાઓ પહેલા શરૂ: જોકે નોરતા શરૂ થઈ એ પહેલા જ અંબાજી શક્તિપીઠની સાફ-સફાઈથી લઈને સુશોભિત કરવા સુધીના કામ મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે. પ્રસાદને લઈને સતત ચર્ચામાં રહેલા મંદિરમાં નવરાત્રીનો ખાસ હવન પણ કરવામાં આવે છે. આઠમના દિવસે માઈ ભક્તો જય જય અંબેના નાદ સાથે ચાચર ચોકમાં ગરબા રમી માતાજીના ભજન ગાઈને આઠમના દિવસની શરૂઆત કરે છે. યજમાન સહિત જુદા જુદા પ્રદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પણ હવનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ વખતે ચૈત્રી નોરતા નિમિત્તે મંદિરને જુદા જુદા રંગોની લાઈટથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું.
માં અંબે ના દર્શન: ચૈત્ર નવરાત્રીનો પર્વ અંબાજીમાં પૂર્ણ કરાયો છે. ચૈત્ર નવરાત્રી આમતો નવ દિવસ ચાલતી હોય છે પણ અંબાજી મંદિર માં ચૈત્ર નવરાત્રીના પ્રારંભે ઘટ્ટ સ્થાપન સાથે જવેરા વાવવામાં આવ્યા હતા. તેનું ઉત્થાપન કરાતા નવરાત્રી પૂર્ણ થઇ હતી. આજે ચૈત્રસુદ અષ્ઠમી હોવાને લઈ અંબાજી મંદિર ની વહેલા સવારે મંગળા આરતી 6.00 વાગે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું. અષ્ઠમીને લઈ અંબાજી મંદિરે સવાલાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબે ના દર્શન નો લાભ લીધો હતો.
સારા વરસાદના સંકેતો: ચૈત્રસુદ આઠમ ને લઈ અંબાજી મંદિર માં ભટ્ટજી મહારાજ દ્વારા જવેરા ની ઉત્થાપન વિધિ કરવામાં આવી હતી. ઉગેલા જવેરા કાપી ને માતાજીની ચરણો સહીત હોમહવનમાં પણ આહુતિ આપવામાં આવી હતી. આઠ દિવસ સુધી રહેલા જવેરાનો વિકાસ સારો થતા આ વખતે રાજ્યની આર્થિક વૃદ્ધિ અને સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. ઘટ્ટ સ્થાપનમાં વિવિધ અનાજ મિશ્રિત વાવવામાં આવતા જવેરાનો ગ્રોથ જોતા આવનારા સમયનો વર્તાવો જોવામાં આવે છે.
આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી
ચીકીની એન્ટ્રી: થોડા સમય માટે અંબાજી જાણે વિવાદોનું ધામ થઇ ગયું હોય તેવું જોવા મળ્યું હતું.જોકે લોકોને એવું લાગે છે કે મોહનથાળની રી-એન્ટ્રી થઇ પરંતુ સત્યતા એ હતી કે ચીકીની એન્ટ્રી સરકારે કોઇને કોઇ રીતે કરાવી દીધી હતી. હવે તો આ પ્રસાદના ભાવમાં પણ વધારો થયો છે. ચીકીએ તો મોહનથાળને પણ મોંઘો કરાવ્યો છે. મોહનથાળનો પ્રસાદ જે18 રૂપિયા માં વહેંચાતો હતો તેના 25 રૂપિયાનો ચાર્જ કરી દેવામાં આવ્યો છે. મોહનથાળ અને ચીકી બને એક જ ફિક્સ રેટ 25 રૂપિયાનો દર લાગુ કરાયો છે. આથી કહી શકાય કે મોહનથાળની સાથે ચીકીની કિંમત થઇ ગઇ છે.