- ડીસામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી
- વિવેકાનંદની મૂર્તિની સફાઈ ના કરતા વિવિધ સંસ્થાઓમાં નારાજગી
- જન્મ જયંતિ પ્રસંગે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું
બનાસકાંઠા : 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની 158 મી જન્મ જયંતિની સમગ્ર ભારતભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ પર વિશ્વાસ બતાવ્યો હતો. ભારત સ્વતંત્ર થયું તેના 50 વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલા ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યુવાનોના આદર્શ હતો. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા હતા. સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિ મંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. આમ સ્વામી વિવેકાનંદની 158મી જન્મ જયંતિ નિમિત્તે દેશવાસીઓએ તેમને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
ડીસામાં સ્વામી વિવેકાનંદની મૂર્તિની સફાઈ કર્યા વગર જન્મ જયંતિની ઉજવણી કરાઇ
બનાસકાંઠા જિલ્લામાં પણ સ્વામી વિવેકાનંદની 158 ની જન્મ જયંતિ નિમિત્તે તેમની મૂર્તિ પર ફૂલહાર ચડાવી સ્વામી વિવેકાનંદ તુમ અમર રહોના નારા સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથોસાથ આજના યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો આવે તે માટે પણ વિવિધ સંસ્થા દ્વારા યુવાનોને આહવાન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ જેવા મહાન પુરુષો આજે પણ લોકોના મનમાં યાદ છે. પરંતુ ડીસામાં જાણે નગરપાલિકાને સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કઈ લેવાદેવા જ ના હોય તેવું તેમની જન્મજયંતિ પ્રસંગે જોવા મળ્યું હતું. સમગ્ર ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે તેમની તમામ મૂર્તિઓને સાફ-સફાઈ કરી અને હાર પહેરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ ડીસામાં જાણે લોકો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ભૂલી ગયા હોય તેમ જોવા મળ્યું હતું. સ્વામી વિવેકાનંદની મૂર્તિને ના તો સાફ કરવામાં આવી હતી કે ના તો તેમને ફુલહાર ચડાવવા માટે સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ભાજપના કાર્યકર્તાઓએ પણ ડીસા નગરપાલિકાનું મશીન મંગાવી ફુલહાર કરવા ફરજ પડી હતી. બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મંત્રી અમૃતભાઈ દવે પણ સ્વીકાર્યું હતું કે, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોવા છતાં પણ મૂર્તિની સાફ-સફાઇ કરવામાં આવી નથી જે ખરેખર યોગ્ય નથી.
સફાઈ અને સીડીના અભાવના કારણે અન્ય સંસ્થાઓમાં રોષ
દેશના મહાન પુરુષ સ્વામી વિવેકાનંદની 158 ની જન્મ જયંતિ પ્રસંગે ડીસા ખાતે કાર્યરત સ્વામી વિવેકાનંદની મૂર્તિની સફાઈ ના કરતા વિવિધ સંસ્થાઓમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસામાં દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે તમને મૂર્તિની સાફ-સફાઈ કરી અને સવારે વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની મૂર્તિને ફુલહાર કરવામાં આવતા હતા. પરંતુ આ વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ હોવા છતાં પણ ડીસા નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં ન આવતા ડીસાની વિવિધ સંસ્થાઓમાં નારાજગી જોવા મળી હતી. તો બીજી તરફ ડીસા યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પ્રસંગે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડીસા બગીચા સર્કલથી ફુવારા સર્કલ સુધી યોજાઇ હતી.