- જિલ્લામથક પાલનપુર ખાતે બાબા સાહેબની જન્મજયંતીની ઉજવણી
- સામાજિક સંસ્થાઓ અને નેતાઓએ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા
- આજે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની 130ની જન્મજયંતી
પાલનપુર: ભારતીય સંવિધાનની ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ અને મહાનાયક બાબાસાહેબ ડૉ. આંબેડકરની આજે 14 એપ્રિલે 130મી જન્મજયંતી છે. જેની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે દલિત સેના તેમજ તમામ પક્ષોના નેતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમની પ્રતિમાને ફુલહાર દ્વાર્ તેઓને આદરાંજલી અર્પણ કરી હતી. બાબાસાહેબ ડૉ. આંબેડકરે દેશની આઝાદી અને તે બાદ દેશનું બંધારણ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તેઓએ દલિતો, મહિલાઓ અને પછાતો સાથે થતાં અન્યાય માટે આજીવન લડત ચલાવી હતી. જેના ફળ સ્વરૂપે બંધારણમાં હક અને અધિકારો આપી સમાજની સમકક્ષ સ્થાન અપાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
આ પણ વાંચો: ડો.બી આર આંબેડકરની 130મી જન્મ જયંતીની જૂનાગઢમાં સાદાઈથી ઉજવણી
બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના થયો હતો
ડૉ. ભીમરાવ રામરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામે 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. જેઓએ આજીવન સામાજિક સમરસતા માટે સંઘર્ષ કર્યો હતો. તેમજ, વેઠપ્રથા, ગુલામીપ્રથા, અસ્પૃશ્યતા વગેરે જેવા અપરાધો સામે અવાઝ ઉઠાવ્યો હતો. કાયદાના પ્રખર વિદ્વાન હોવાથી તેઓએ આવા અત્યાચારનો ભોગ બનેલા લાખો લોકોને કાયદાકીય મદદ પણ કરી હતી. તેમનું અવસાન દિલ્હી ખાતે 6 ડિસેમ્બર 1956ના રોજ 65 વર્ષની ઉંમરે થયું હતું. તેઓ આજીવન બહુજનોના મસીહા તરીકે ઓળખાશે.
બાબા સાહેબ શિક્ષણ અને સામાજિક સમરસતાનું પ્રતીક
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સમિતિના આગેવાન દીપક ચાંદરેઠિયાએ જણાવ્યું હતું કે, બાબા સાહેબ શિક્ષણ અને સામાજિક સમરસ્તાનું પ્રતીક હતા. તેથી આવા મહામાનવની 130મી જન્મજયંતિની ઉજવણી કોરોના મહામારી વચ્ચે પણ કોવિડ ગાઈડલાઈન મુજબ કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, રામનાથ કોવિંદે ટ્વિટ કરી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો કર્યો ભંગ કર્યો
બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ભાજપના પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હેતલ રાવલ તેમજ ભાજપના આગેવાનો, કાર્યકરોએ માસ્ક પહેર્યું હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું હોવાના દ્રશ્યો સ્પષ્ટ જોવામાં આવ્યા હતા. જે, કોરોનાના વધતાં જતાં સંક્રમણ વચ્ચે શહેરીજનો માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે.
29 ઓગસ્ટ 1947ના રચાઈ હતી બંધારણની ડ્રાફ્ટ કમિટી
ભારતદેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાનીને લીધે ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો હતો. પરંતુ, સહુથી મોટો પડકાર દેશને એકતા સાથે રાખી શાસન ચલાવવા માટે દેશનું એક બંધારણ બનાવવાનું હતું. ત્યારે, બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં 29 ઓગસ્ટ 1947ના દિવસે બંધારણની ડ્રાફ્ટ કમિટીની રચના કરાઈ હતી. જેમાં, બાબાસાહેબ આંબેડકર સહિત કુલ 7 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી. જેઓએ તૈયાર કરેલા બંધારણના ડ્રાફ્ટને 26 નવેમ્બર 1949ના રોજ મંજૂરી મળ્યાના 2 મહિના બાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું.