ડીસા : સમો મોટા ગામે બ્રહ્મ સમાજ દ્વારા પરિવર્તને લઈને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બ્રહ્મ સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધ કરવામાં આવ્યા છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે હવે લોકો જાગૃતિ દાખવે તે માટે બંધારણ બનાવી સામાજિક કુરિવાજો માંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ સગાઈ પ્રસંગ સહિતના શુભ કે અશુભ પ્રસંગે લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમજ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે.
શું છે સમગ્ર વાત : સમાજના બંધારણનો ઉલ્લંઘન કરનાર સામે જે તે પ્રસંગમાં લોકોએ જવું નહીં તેમજ બંધારણનો ઉલ્લેખ કરનાર વ્યક્તિને 51 હજાર રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. આ બાબતે સમાજના આગેવાનો અને યુવાનોએ બંધારણને સમર્થન આપતા જણાવ્યું હતું કે, જે પ્રકારે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, તેના કારણે સમાજમાં કેટલાક પરિવારો પછાત અને દેવામાં ડૂબી રહ્યા હતા. ત્યારે સમાજને આગળ લાવવા માટે સમાજમાં શિક્ષણ વધે અને ખોટા ખર્ચમાંથી બચી શકાય તે માટે સમાજના હિત માટે બનાવેલા બંધારણને તેઓએ સમર્થન આપ્યું હતું.
ગરીબ પરિવાર માટે સારું કાર્ય : સાથે જ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવશે. તે સમાજમાં શિક્ષણ પાછળ જ ખર્ચવામાં આવશે, અત્યારે કેટલાય સમાજમાં દેખાદેખી અને પાશ્ચર્ય સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગરીબ લોકોએ પ્રસંગોમાં મોટા ખર્ચા કરવા પડે છે, ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી અનેક ગરીબ પરિવારો પ્રસંગોમાં ખોટા ખર્ચા કરી દેવામાં ડૂબતા બચી જશે.
આ પણ વાંચો : Shepherd Community : ભરવાડ સમાજે લગ્ન માટે લીધા આ નવા નિર્ણય
સમાજના આગેવાનનું શું કહેવું છે : બ્રહ્મ સમાજના આગેવાન મહેશ દવેએ જણાવ્યું હતું કે, તમામ પાંચ પરગણા બ્રહ્મ સમાજ તેમજ સમૌ મોટા બ્રહ્મ સમાજ જ્યાં શુભ અશુભ, જૂની સંસ્કૃતિ ને પશ્ચિમની સંસ્કૃતિને અનુસરી ખોટા ખર્ચા કરી ઘણું બધું સમાજને નુકસાન થતું હતું. યુવા પેઢી એનાથી પાછળ જતી હતી. આવા તમામ રિવાજો અમારા વડીલો દ્વારા નિર્ણય લેવાયો એની પાછળ કોઈભી આનો ભંગ કરશે તો એનો 51 હજાર રૂપિયા દંડ કરી અને સજાને પાત્ર થશે. એની સાથ હાલનારો પણ સજાને પાત્ર થશે. જોગવાઈ પ્રમાણે જે કઈ રકમ આવશે તે સમાજના દીકરી દીકરાઓના શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે.
યુવા પેઢીનું સમર્થન : યુવા પેઢી દિવ્યા જોષી આ બાબતે જણાવ્યું હતું કે, અમારા ગામમાં ગામના બધા લોકો ભેગા થઈ અને એક મીટીંગનું યોજના કર્યું હતું. આ મિટિંગમાં જે લગ્ન પ્રસંગમાં દીકરીઓને તૈયાર કરવા માટે બહારથી પાર્લર વાળીને લાવતા હતા. તે પાર્લર વાળીને લાવવાથી ખૂબ જ ખર્ચ થતો હતો. તે ખર્ચો 40થી 50 હજાર જેટલો હતો. ગરીબ લોકો આ ખર્ચો કરી શકતા ન હતા. તેથી અમારા ગામના લોકોએ નક્કી કર્યું કે, પાર્લર વાળીને લાવવી નહીં અને આ નિર્ણયથી હું સહમત છું.