ડીસા: તાલુકાના ધનાવાડા ગામે એક વર્ષ પહેલા શિલ્પા બેન ગોસ્વામીનું મોત થયું હતું. જેમનો દફન થયેલો મૃતદેહ મંગળવારે ડીસા મામલતદાર, પોલીસ કાફલો અને ડોક્ટરોની ટીમ સાથે બહાર કાઢવામાં આવ્યો હતો. શિહોરી ગામની 20 વર્ષીય શિલ્પા ગોસ્વામીના ધનાવાડા ગામે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે એકાદ વર્ષ પહેલા સાસરિયામાંથી શિલ્પાએ પોઈઝન પીને આપઘાત કર્યા હતો.
જોકે શિલ્પાના પિયરપક્ષ ધનાવાડા ગામે દોડી આવતા દીકરીએ આપઘાત ન કર્યો હોવાની શંકા જતાવી હતી અને પોસ્ટમાર્ટમ કરાવવાની માગ કરી હતી. જોકે સાસરિયા પક્ષે પોસ્ટમાર્ટમ કરાવ્યા વગર જ દફન વિધિ કરી હતી.જેથી શિલ્પાના પિતાએ સાસરિયાના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને મૃતક દીકરીના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમાર્ટમ કરીને મોતનું સત્ય જાણવાનો પ્રયાસ કરતા આખરે કાયદાની આંટીઘૂંટીમાં પસાર થઈ તંત્રએ એક વર્ષ પછી મૃતક મહિલાના મૃતદેહને બહાર કાઢયો હતો.