બનાસકાંઠા: રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં શનિવારે રાત્રે પાણી છોડાતા રવિવારે ડીસા પાણી પહોંચતા ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતા દશરથ મકવાણા નામનો યુવક નદીમાં નાહવા જતા ડૂબ્યો હતો. યુવક ડૂબવાની જાણ થતાં ડીસા નગરપાલિકાના તરવૈયાઓની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી વહીવટી તંત્ર દ્વારા મૃતદેહ બહાર કાઢવા ભારે શોધખોળ હાથ ધરાઇ હતી.
"આજથી બે દિવસ પહેલા અમારો ભાઈ નદીમાં પાણી આવતા નદી જોવા ગયો હતો. એ સમયે તેનો પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો હતો. જેની અમને જાણ થતા અમે તાત્કાલિક દોડી ગયા હતા. પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ દોડી આવી હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરીઓને ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજે વહેલી સવારે સાત વાગે શેરગંજ પાસેથી મારા ભાઈની મૃતદેહ મળી આવ્યો હતો."-- (મૃતક યુવકના ભાઈ)
મૃતદેહ નદીમાં તરતો હતો: આજે સવારે રાજપુરથી આગળ નદીમાં જતા શેરગંજ વિસ્તારમાં એક યુવકનો મૃતદેહ નદીમાં તરતો હોવાની સ્થાનિકોએ વહીવટી તંત્રને જાણ કરી હતી. જેથી સ્થળ પર જઈ તપાસ કરતા આ મૃતદેહ રાજપુરના મૃતક યુવક દશરથ મકવાણાનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તંત્ર દ્વારા તેના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસમોટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
"આજથી બે દિવસ અગાઉ ડીસા બનાસ નદીમાં એક યુવક ડૂબ્યો હોવાની માહિતી મળી હતી. ત્યારે ઘટના સ્થળે અમારી પોલીસ દોડી હતી. તાત્કાલિક તરવૈયાની મદદથી આ યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે આજે વહેલી સવારે સાત વાગે ડીસાના શેરગઢ ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો.--" એસ એમ પટણી (ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ)
બનાસ નદીમાં ચાલુ વર્ષે કુલ 6 યુવકોના મોત: હવામાન વિભાગની આગાહી મુજબ જે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ફરી પાછું બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ચાલુ વર્ષે થોડા દિવસ અગાઉ નદી જોવા ગયેલા અલગ અલગ કુલ પાંચ યુવકોના નદીમાં ડૂબવાથી મોત થયા હતા. આમ ચાલુ વર્ષે કુલ છ યુવકો નદી જોવા ગયેલા તે ડૂબ્યા છે. તેમના મોત નીપજ્યાં છે. જોકે, દર વર્ષના આ નદીમાંથી લોકોના મોત થવાના બનાવો સામે આવતા હોય છે.