ડીસામાં રક્તદાન કેમ્પ યોજાયો
- 300થી વધુ લોકોએ કર્યું રક્તદાન
- ઠાકોર સમાજ દ્વારા કરાયું રક્તદાન કેમ્પનું આયોજન
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં રવિવારના રોજ ઠાકોર સમાજની છાત્રાલય ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં 300થી પણ વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
રક્તદાન એ મહાદાન છે રક્ત વગર કેટલીકવાર અનેક લોકો પોતાની મહામૂલી જિંદગી ગુમાવતા હોય છે. ત્યારે રક્ત વગર કોઈએ જિંદગી ખોવાનો વારો ન આવે તે માટે દર વર્ષે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવે છે. હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં અનેક લોકોને રક્તની જરૂરિયાત પડે છે, ત્યારે આવા સમયે લોકોને રક્તદાન મળી રહે તે માટે રવિવારના રોજ ઠાકોર સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે લોકજાગૃતિ માટે અનેક સેવાકીય કાર્યક્રમ યોજાય છે. ત્યારે રવિવારે યોજાયેલા રક્તદાન શિબિરમાં 300થી પણ વધુ ઠાકોર સમાજના યુવાનોએ રક્તદાન કર્યું હતું. આજે યોજાયેલા રક્તદાન કાર્યક્રમમાં તમામ રક્તદાતાઓનું સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ઠાકોર સમાજના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો. એક સાથે 500થી પણ વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ સરકારની ગાઈડલાઇનનો ભંગ જોવા મળ્યો હતો. એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે, તો બીજી તરફ ઠાકોર સમાજ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. ડીસામાં મોટી સંખ્યામાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે. ત્યારે રવિવારે યોજાયેલા આ કાર્યક્રમથી આગામી સમયમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.