- 15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ સુધી 5- 6 લાખ યાત્રિકો અંબાજી આવ્યાં
- ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવી
- સુરક્ષાકર્મીની ઉપસ્થતિમાં 80 કર્મીઓ દ્વારા આ ભંડારાની ગણતરી હાથ ધરવામાં આવી
અંબાજીઃ 15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતાં ને આ યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવી છે. cctv કેમેરાની નિગરાનીમાં ને સુરક્ષાકર્મીની ઉપસ્થતિમાં 80 જેટલા કર્મીઓ દ્વારા આ ભંડારાની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જોકે ગત મેળાની આવક કરતાં ચાલુ વર્ષે આવકમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગત ભાદરવી પૂનમના મેળામાં દાન ભેટની આવક 1.56 કરોડ થઈ હતી તેની સામે આજે સંપૂર્ણ ભાદરવી પૂનમની છ દિવસના ભંડારાની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયાની આવક થઈ છે. જે જોતા મંદિર ટ્રસ્ટને દાનભેટની આવકમાં 50 ટકાનો ઘટાડો નોધાયો છે.
ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા
અંબાજી મંદિરમાં જેમ લોકો બાધા માનતા પૂરી કરે છે ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર ,ત્રિશૂલ ,નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજીને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યાં છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદીના ભાવની ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે. જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદી ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ.
પરચૂરણની કડાકૂટ
મંદિરમાં લાખો રૂપિયાની પરચુરણ પણ એકત્રિત થઈ જતાં બેંકો પણ પરચુરણ સ્વીકારતી નથી. અંબાજી મંદિરમાં હાલ 60 થી 70 લાખ રૂપિયાની પરચુરણનો ભરાવો થયો છે ને હવે મંદિર ટ્રસ્ટે પરચુરણની જરૂરીયાતવાળા લોકોને ઘર બેઠાં પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચોઃ મેળો રદ્દ હોવા છતા અંબાજી પંથકમાં માનવ મેહેરામણ ઉમટ્યું
આ પણ વાંચોઃ ગબ્બર તળેટીમાં 24 કલાક નિઃશુલ્ક ભરપેટ ભોજનનું આયોજન