અંબાજીઃ ગુજરાતના અતિ પ્રાચીન મંદિર અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાઇ છે. જે આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે બંધ રહ્યો છે. પરંપરાગત આજે એટલે કે ભાદરવી સૂદ નોમથી યોજાતો ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ જતી હોય છે. પરંતુ કોરોના મહામારીમાં પરિસરમાં સન્નાટો છવાયો છે. જ્યારે દર વર્ષે મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતું હતું. જ્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ના ફેલાય તેના પગલે મેળા સહિત મંદિરમાં ભક્તોના દર્શન પર પ્રતિબંધ મૂકાયો છે.
જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન દ્વારા મંદિર પરિસરમાં જ કોરોનાની મહામારીના નાશ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞશાળામાં સહસ્ત્રચંડી યજ્ઞનો પ્રારંભ કર્યો છે. આ યજ્ઞ 80 બ્રાહ્મણો દ્વારા મેળા દરમિયાનના સાત દિવસ સુધી ચાલશે.
અંબાજી મંદિર કલેક્ટરના આદેશ અનુસાર 4 તારીખ સુધી બંધ રહેવાનું હતું પરંતુ શ્રદ્ધાળુઓની લાગણીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર 3 સપ્ટેમ્બરે ખોલી દેવામાં આવશે.
કોરોનાની મહામારીના પગલે અંબાજી મંદિર ખુલ્યા બાદ માતાજીના રાજભોગનો પ્રસાદ સહિત ટ્રસ્ટનું ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું હતું. પણ હવે યાત્રિકોની લાગણી અને માંગણીને લઈ 3 તારીખથી મંદિર ખુલવાની સાથે માતાજીનો પ્રસાદ અને ભોજનાલય બન્ને શરૂ કરી દેવામાં આવશે.
ભાદરવીના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ મંદિરે પગપાળા આવતા હોય છે. અને માતાજીને નિમંત્રણ પત્રિકા સ્વરૂપે ધજા અર્પણ કરે છે. જેને લઈ જિલ્લા કલેક્ટર અને વહીવટ તંત્ર દ્વારા તમામ સંઘના ભક્તો વતી માતાજીને ધજા અર્પણ કરી હતી. જે ધજા મંદિરના શિખરે ચઢાવામાં આવી હતી. અને તમામ શ્રદ્ધાળુઓની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી.