બનાસકાંઠાઃ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. થરાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક શિક્ષકે શ્રીલંકા જઈ પોતાની એક કિડની વેચી દીધી હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શિક્ષકે પોતાની કિડની વેચી નાણા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરો તેની પાસેથી હજૂ પણ પઠાણી ઉઘરાણી કરી નાણાની માંગણી કરતા હતા.
થરાદના ખોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજાભાઈ પુરોહિતે 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે નાણા વ્યાજ સાથે એક વર્ષમાં જ બમણા થઈ જતા તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. ચક્રવૃદ્ધિ વ્યાજ પર લીધેલા નાણા ચૂકવવા માટે તેમને પોતાની કિડની વેચવાનું પગલું ભર્યું હતું.
પૈસા આપવા છતાં વ્યાજખોરોએ શિક્ષક પર દબાણ ચાલુ રાખતા આખરે આ શિક્ષકે યુસી સોશિયલ મીડિયા પર કીડની સેલની જાહેરાત કરી હતી અને તે જાહેરાત જોઈ શ્રીલંકાના તબીબે તેમનો સંપર્ક કરી કીડની ખરીદવા જણાવ્યું હતું. જે બાદ આ શિક્ષક શ્રીલંકાની હોસ્પિટલમાં 15 લાખ રૂપિયામાં કિડની વેચવા આવી હતી. કિડની વેચી મેળવેલા નાણાથી વ્યાજખોરોને તેમના પૈસા ચૂકવી દીધા હતા. જો કે, પૈસા ચુકવ્યા બાદ પણ શિક્ષકને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે શિક્ષકે કંટાળી થરાદ પોલીસ મથકે 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
થરાદની સત્યમ નગર સોસાયટીમાં રહેતા રાજાભાઈ પુરોહિત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નાણાકીય ભીડના કારણે તેમને હર્ષદ વજીર, દેવા રબારી, ઓખા રબારી અને વશરામ રબારી પાસેથી વ્યાજે નાણા લીધા હતા. વ્યાજખોરના વારંવાર ત્રાસના કારણે રાજાભાઈ પુરોહિત મુશ્કેલીમાં આવ્યા હતા. જેના કારણે તેમને શ્રીલંકાના કોલંબોમાં આવેલી હોસ્પિટલમાં જઈ પોતાની કિડની 15 લાખ રૂપિયામાં વેચી હતી. આ સમગ્ર મામલે થરાદના જ 4 ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં રાજાભાઈના પાસપોર્ટમાં શ્રીલંકાની મુલાકાતના વિઝા એન્ટ્રી છે. જેથી તેમને આપેલી પ્રાથમિક ફરિયાદ સાચી હોય તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે મેડિકલ તપાસ તેમજ આરોપીઓને પકડી પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.
થરાદમાંથી સામે આવેલી આ ઘટનાને લઇને જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો છે. નાણાકીય ભીડ અનુભવતા લોકોની કેટલીક કપરી પરિસ્થિતિ થાય છે. આ ઘટના પરથી સ્પષ્ટ જોઇ શકાય છે. નાણા મેળવવા માટે લોકોએ એક વ્યક્તિની કિડની વેચાવી નાખી છે. જે અત્યંત ધૃણાસ્પદ બાબત છે.