બનાસકાંઠા : જિલ્લો એટલે વર્ષોથી પાણી માટે જજુમતો જિલ્લો છે. ઉનાળાની શરૂઆત થતા જ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તો ઠીક પરંતુ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જ પાણીનો કકળાટ સામે આવ્યો છે. પાલનપુરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલા હરીપુરા વિસ્તારમાં છેલ્લા બે માસથી સમયસર પાણી ન આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
પાણી ભરવા બેડા યુદ્ધ : જોકે પાણીની વિકટ સમસ્યાને લઈ સ્થાનિકો અત્યારે તો બાજુમાં આવેલા સ્મશાન ગૃહ માંથી પાણી ભરવા મજબુર બન્યા છે. વોર્ડ નંબર 2 એ ખુદ પાલિકાના પાણી પુરવઠા ચેરમેનનો મતવિસ્તાર છે અને ખુદ પાણી પુરવઠા ચેરમેનના મત વિસ્તારમાં જ પાણીનો કકળાટ સામે આવતા મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. સ્મશાન ગ્રુપમાં પણ પાણી ભરવા આવતા લોકો વહેલા તે પહેલાના ધોરણે પાણી ભરવા બેડા યુદ્ધ થતું જોવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકોની વેદના : આ બાબતે હરીપુરા વિસ્તારના રહેવાસી સુનીતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારે અહીં બે મહિનાથી પાણીને ખૂબ જ તકલીફ છે, જ્યારે વોટ જોઈતા હોય, ચૂંટણી લડવી હોય, ત્યારે તેઓ વોટ લેવા માટે આવતા હોય છે અને કહેતા હોય છે કે અમે તમારી તમામ સમસ્યા દૂર કરીશું, પરંતુ અમારી કોઈ સમસ્યા દૂર કરતું નથી.
આ પણ વાંચો : Kutch Forest Department : અંગ દઝાડતી ગરમીમાં જંગલોમાં અબોલ પ્રાણીઓ માટે ઊભા કરાયા પાણી પોઇન્ટ
સ્થાનિક આગેવાન : ભગુભાઈ એ જણાવ્યું હતું કે, પાલનપુરમાં હરીપુરા વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી પાણી આવતું નથી. જેથી કરીને આ મજૂરો ગરીબ લોકો જે છે તેમને પાણી ભરવા માટે સ્મશાન ગૃહમાં જવું પડે છે. પાણી બહાર એક વાગે આવે એ પણ થોડું થોડું આવે છે. જેથી કરીને તેઓએ નાવા ધોવા માટે પાણી રાખવું કે પીવા માટે રાખવું એટલે પાણીનો પ્રશ્ન જટિલ છે. તો સત્વરે નગરપાલિકાના સત્તાધીશોએ આનો નિર્ણય લાવે નહીં તો આવનાર સમયમાં મહિલાઓ આંદોલન કરશે.
આ પણ વાંચો : Sauni Yojana: રાજકોટમાં નગરજનો નહિ રહે નીર વિહોણા, સૌની યોજનાથી મળશે સર્વેને પાણી
ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાલનપુર નગરપાલિકા : પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાંચા માળીએ જણાવ્યું હતું કે, મને માહિતી મળતા મુજબ હરીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી આવતું નથી. એમાં મૂળ પ્રશ્ન એ છે કે હરીપુરા વિસ્તાર જે છે તે તેનો અમુક વિસ્તાર છે તે નીચાણ વાળો વિસ્તાર છે. અમુક ઉંચાણવાળો વિસ્તાર છે એટલે જે નીચાણ વાળો વિસ્તાર છે, ત્યાં પાણી આવે છે અને ત્યાં રહેતા લોકો પોતાના નળ સતત ચાલુ રાખે છે. જેના કારણે ઊંચા વાળા વિસ્તારમાં પાણી ચડતું નથી. જેને લઈને ઊંચાણવાળા વિસ્તારમાં પાણી મળતું નથી અને નીચેવાળા વિસ્તારમાં પાણી મળે છે. ટૂંક સમયમાં જે પણ વ્યવસ્થા કરવી પડે તે ઊંચાવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે અમે વ્યવસ્થા કરીશું.