બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેરબાન થયો છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધારે સારો વરસાદ થતાં લોકો ખુશખુશાલ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પણ અમીરગઢમાં 36 મીમી,કાંકરેજમાં 4 મીમી, ડીસામાં 48 મી.મી થરાદમાં 15 મીમી, દાંતામાં 76 મીમી, દાંતીવાડામાં 14 મીમી, ધાનેરામાં 13મીમી, પાલનપુર 52 મીમી, લાખણીમાં 30મીમી વડગામમાં14 મી.મી વાવમાં 5 અને સુઈગામ માં 13 મીમી વરસાદ ખાબક્યો છે.
વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠાની બે નદીઓમાં પણ પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ ફરી નવા પાણીની આવક શરૂ થઈ છે. ધાનેરાની રેલ નદીમાં પણ નવા નીર આવતા ધાનેરા પંથકમાં ખુશીનો માહોલ છવાયો હતો.
2015 અને 2017માં આજ જ રેલ નદી ગાંડીતૂર બનતા ધાનેરા સહિતના વિસ્તારોમાં પૂર પ્રકોપ સર્જાયો હતો. ત્યારબાદ બે વર્ષ બાદ ફરી આ જ નદીમાં પાણીની આવક શરૂ થતા લોકો ખુશી જોવા મળી રહી છે. બનાસ નદીમાં નવા નીર આવતાની સાથે જ દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. દાંતીવાડા ડેમમાં 1 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલમાં દાંતીવાડા ડેમની સપાટી 565 ફૂટ નોંધાઇ છે. જ્યારે તેની ભયજનક સપાટી 604 ફૂટ છે.